Site icon Revoi.in

ભાવનગરને દિલ્હી સાથેની ટ્રેન સેવા બાદ હવાઈ સેવાને પણ છીનવી લેવામાં આવી

Social Share

ભાવનગરઃ શહેરને દિલ્હી સાથેનો વ્યવહાર અનુકૂળ આવતો ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ભાવનગરને દિલ્હીની હવાઇ કનેક્ટિવિટી મળી હતી, અને આ હવાઇ સેવામાં પણ કુલ ક્ષમતાના 50 ટકા મુસાફરોની આવન-જાવન હતી, છતાં ફ્લાઇટ એકાએક બંધ કરી દેવામાં આવી છે. જ્યારે કોરોના અગાઉ રાજકોટ-સરાઇરોહિલા ટ્રેનમાં ભાવનગરના 5 ડબ્બા સુરેન્દ્રનગરથી જોડવામાં આવતા તે પણ બંધ છે. આમ દેશની રાજધાની દિલ્હી સાથે હાલ ભાવનગર ડિસકનેક્ટ થયેલું છે. જેથી ભાવનગરને મળેલી સુવિધા છીનવાઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી અને ઉત્તર ભારતના રાજ્યો, શહેરોમાં આવવા-જવા માટે ભાવનગર-દિલ્હી વચ્ચે સીધી કોઇ હવાઇ સેવા નહીં હોવાને કારણે અમદાવાદથી ફ્લાઇટ પકડવા માટે મુસાફરોને જવું પડતુ હતુ. લાંબા સંઘર્ષ બાદ ભાવનગરને દિલ્હીની ફ્લાઇટ મળી હતી, અને કુલ ક્ષમતાના 50 ટકા મુસાફરો પણ મળી રહેતા હતા, છતા ફ્લાઇટ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોનાકાળ દરમિયાન જે ટ્રેનો બંધ કરવામાં આવી હતી તે પૈકી ભાવનગર-સુરેન્દ્રનગરની ફ્રિકવન્સી નહિવત્ થઇ ગઇ છે. અગાઉ રાજકોટ-સરાઇરોહિલા ટ્રેન જે દિલ્હી જાય છે, તેમાં ભાવનગરના 5 સ્લીપ કોચ સુરેન્દ્રનગરથી જોડવામાં આવતા હતા. પરંતુ કોઇ અકળ કારણોસર હજુપણ આ વ્યવસ્થા પુન:સ્થાપિત કરવામાં રેલ તંત્ર આળસ અનુભવી રહ્યું છે. શહેરના સાંસદ અને તમામ ધારાસભ્યો ભાજપના છે. અને કેન્દ્રમાં પણ સરકાર ભાજપની છે, ત્યારે ભાવનગરને થતાં અન્યાયને દુર કરવામાં આવે તેવી લોકોમાં માગ ઉઠી છે. ભાવનગરને ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો છે. શહેર કે જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો પણ નથી. જિલ્લામાં અલંગને બાદ કરતા કોઈ મોટો ઉદ્યોગ નથી.