Site icon Revoi.in

ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ હવે ભારે પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ હવે વાતાવરણમાં પલટાં સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર તેમજ  ઉત્તર ગુજરાતના પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ માવઠું પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા,આણંદ,ભરૂચમાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ભારે પવન ફુંકાવાના પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં આગામી 5 દિવસ  હવામાન મોટાભાગે સૂકું રહેશે. જોકે, લોકલ કન્વેક્ટિવિટીના કારણે ક્યાંક વરસાદ થઈ શકે છે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 28 અને 29 તારીખે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 28 અને 29 તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમ વિક્ષોભ)ની અસરના કારણે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પ્રિ-મોન્સુનનું કોઈ અસર ગુજરાત પર નથી. જોકે, તે આગામી સમયમાં પ્રસ્થાપિત થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. આગામી 2-3 દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તે પછી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.  રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભાગમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે,  ભારે પવન ફૂંકાવાની સાથે તારીખ 25થી 29 દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.