Site icon Revoi.in

ગુજરાતમાં માવઠા બાદ હવે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં ક્રમશઃ વધારો થશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માવઠાની આફત સમી જતાં હવે રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે, અને ડિસેમ્બરથી લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરશે.હાલ ઉત્તર-પૂર્વીય ઠંડાબોળ પવનોને કારણે ઠંડીમાં વધારો થશે. એવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં ભરશિયાળે આવેલા માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા હતા. શિયાળાના પ્રારંભે  વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા કૃષિપાકને પણ સારૂએવું નુકસાન થયું હતું. સોમવારે પણ 27 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. જોકે હવામાન વિભાગના કહેવા મુજબ હવે માવઠાનો ખતરો ટળી ગયો છે. સોમવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 27, 7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17,5 ડિગ્રી નોંધાયું હતું, રાજ્યના અન્ય શહેરોમાં પણ મહત્તમ તાપમાન 25થી 27 ડિગ્રી આસપાસ રહ્યું હતું. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ છે. ઉત્તર-પૂર્વિય ઠંડા પવનો ફુકાતા હવે ઠંડીમાં વધારો થશે. અમદાવાદ સહિત શહેરોમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, તેથી મોર્નિગ વોક કરનારાની સંખ્યામાં પણ વધારો થયો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના ખેડૂતોના માથા પરથી માવઠાની આફત ટળી ગઈ છે.  હવે ઠંડી પોતાનો કહેર વર્તાવશે. માવઠાના કારણે હવે રાજ્યમાં શિયાળો જામશે. સાથે જ દિવસે દિવસે તાપમાનનો પારો પણ ગગડશે.  શિયાળાની શરૂઆત થઈ ચુકી છે, પરંતુ માવઠા પહેલા રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો ન હતો. પરંતુ રાજ્યમાં આવેલા માવઠા બાદ હવે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડીરાત્રે ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. તો સાથે જ માવઠાના કારણે હવે લોકોને બપોરે પણ સ્વેટર પહેરવાની ફરજ પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે માવઠા બાદ હવે ઠંડી પોતાનો કેર વર્તાવવાનું શરૂ કરશે.