સૌરાષ્ટ્રવાસીઓને ઉનાળામાં પાણી માટે નહીં કરવો પડે રઝળપાટ, આજી બાદ ભાદર ડેમમાં સૌની યોજનાનું પાણી છોડાયું
અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરો અને ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે. જો કે, ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે રાજકોટના આજી ડેમ બાદ હવે સૌની યોજના હેઠળ ભાદર ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી રાજકોટ ઉપરાંત ધોરાજી અને જેતપુરની જનતાને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્રમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક ગામમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થાય છે. સૌરાષ્ટ્રવાસીઓને પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળે તે માટે સરકાર દ્વારા સૌની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી દિવસોમાં વિવિધ ડેમ, તળાવો અને ચેકડેમ ભરવામાં આવશે. જેથી લોકોને પીવાનું પાણી મળી રહે. એટલું જ નહીં ખેડૂતોને પણ સિંચાઈ માટે પુરતું પાણી મળી શકે.
દરમિયાન આજી ડેમ બાદ ભાદર ડેમમાં સૌની યોજનાનું પાણી છોડાવામાં આવ્યું છે. પાણી ગોંડલના ગુંદાસરા ગામેથી ભાદર ડેમમાં પહોંચ્યુ છે. ગુંદાસરથી ભાદર વચ્ચેના ડેમોને પણ પાણી આપવામાં આવશે. નર્મદાનું પાણી નદીમાંથી પસાર થતા કુવાના તળ ઉંચા આવશે અને પાણીની સમસ્યામાં ફાયદો થશે. ભાદર ડેમમાંથી રાજકોટ, ધોરાજી,જેતપુર શહેરને પાણી મળશે.
રાજકોટની જીવાદોરી આજીડેમ છલોછલ ભરાઇ ગયો છે. આજીડેમને નર્મદાના પાણીથી ભરી દેવામાં આવ્યો છે. આજીડેમમાં પાણીની સપાટી 27 ફૂટ પર પહોંચી છે. જેથી ઉનાળામાં રાજકોટવાસીઓને પાણીની સમસ્યાથી છુટકારો મળશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના અન્ય જળાશયોને સૌની યોજના હેઠળ ભરવામાં આવશે.