અમદાવાદઃ કારતક મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. ચાર્તુમાસ પૂર્ણ થતાં આગામી 15 નવેમ્બરના રોજ તુલસી વિવાહ બાદ લગ્નસરાની મોસમ શરૂ થશે. એટલે કે, લગભગ 4 મહિના બાદ તા.16 નવેમ્બરથી ફરી લગ્નની શરણાઇઓ ગૂંજશે. આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં કુલ 14 શુભ મુહૂર્તમાં અનેક લગ્ન થશે. ગત વર્ષે કોરોનાને લીધે લગ્નો યોજાઈ શકાયા નહતા. એટલે આ વર્ષે લગ્નોની સીઝન જામશે.
કર્મકાંડી પંડિતોના જણાવ્યા મુજબ તુલસી વિવાહથી શરૂ થતી લગ્નની સિઝનમાં નવેમ્બરમાં 8 અને ડિસેમ્બરમાં 6 મળી કુલ 14 શુભ મુહૂર્ત રહેશે. 400 લોકોની મર્યાદા સાથે શરૂ થતી લગ્નસરાની આ સિઝનમાં લોકો ઘરઆંગણે જ લગ્ન પ્રસંગ યોજવાનું પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનામાં મોકૂફ રહેલા લગ્નો પણ આ સિઝનમાં હાથ ધરાયા છે. બીજી બાજુ પાર્ટી પ્લોટોના સંચાલકોના જણાવ્યા અનુસાર, પાર્ટી પ્લોટોમાં આયોજિત મોટાભાગના લગ્નોમાં 600થી વધુ મહેમાનોની સંખ્યા રહેતી હોય છે. ગત વર્ષે કોરોનાના કારણે ઠપ રહેલું બુકિંગ 50 ટકા સુધી પહોંચ્યું છે. સરકાર લગ્ન પ્રસંગમાં આવતાં મહેમાનોની સંખ્યાની મર્યાદા વધારે તો હજુ બુકિંગ વધે તેવી આશા છે. જ્યારે કેટરિંગના વ્યવસાયકારોએ જણાવ્યું કે, 100 લોકોની મર્યાદા વધારી 400 લોકોની કરાઇ છે, જેને લઇ આ સિઝનમાં ગત વર્ષની સરખામણીએ 60 ટકા વ્યવસાય થવાનો અંદાજ છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ, ધનારક કમુરતાં તેમજ શુક્ર અને ગુરૂ ગ્રહની અસ્તની સ્થિતિમાં લગ્ન લઇ શકાતાં નથી. જે મુજબ 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2022 સુધી સૂર્ય ધન રાશિમાં રહેતાં ધનારક કમુરતાં રહેશે. આ દરમિયાન તા.5 થી 12 જાન્યુઆરી સુધી શુક્ર ગ્રહ અસ્તનો રહેશે. જ્યારે તા.21 ફેબ્રુઆરીથી 22 માર્ચ સુધી ગુરૂ ગ્રહ પણ અસ્તનો થતો હોઇ 2022માં બે મહિના લગ્નની સિઝનને બ્રેક લાગશે. જ્યારે નવેમ્બર મહિનામાં તા. 16, 20, 21, 22, 26, 28, 29 અને 30 તેમજ ડિસેમ્બર મહિનામાં તા.1, 7, 9, 11, 13 અને 14 લગ્નો માટે શુભ ગણવામાં આવે છે.