Site icon Revoi.in

રાજ્યમાં બે ઋતુનો અહેસાસ, દિવાળી બાદ ક્રમશઃ ઠંડીનું જોર વધશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં શિયાળાના ધીમા પગલે પગરણ થઈ રહ્યા છે. હાલ ઉત્તર-પૂર્વિય પવન ફુંકાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં રાજ્યમાં ઠંડા પવન શરૂ થયાં છે, અમદાવાદ સહિત 6 શહેરોનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે જ્યારે અન્ય શહેરોમાં ઠંડીનો પારો 1થી 2 ડિગ્રી ગગડતાં લોકો ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં અમદાવાદમાં ઠંડીનો પારો હજુ એકથી દોઢ ડિગ્રી ગગડવાની શક્યતા છે. રાજ્યમાં ક્રમશ ઠંડીમાં વધારો થશે.  હાલ બપોરના ટાણે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જોકે દિવસ દરમિયાન પંખા અને એસી ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. આમ રાજ્યમાં લોકોને બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણએ બે દિવસ અમદાવાદ સહિત મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન 2થી 5 ડિગ્રી ઊંચકાતા ગરમીમાં વધારો થયો હતો. જો કે, મંગળવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ જતાં રાજ્યમાં ફરીથી ઠંડા પવનનું જોર વધ્યું છે. મંગળવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 2 ડિગ્રી ગગડીને 21.9 ડિગ્રી નોંધાયુ હતું. વહેલી સવારે અને સાંજે ઠંડક તેમજ બપોરે ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ રહેતાં લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 18.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. અમદાવાદમાં સવારે ખૂશનુમાભર્યું વાતવરણ અનુભવાઈ રહ્યું છે. એટલે મોર્નિંગવોક કરનારાની સંખ્યામાં પણ વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં હાલ ઉત્તરિય રાજ્યો ઉત્તરાખંડ, અને  ઉત્તર પ્રદેશ સહિત વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘણા વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. એટલે આગમી દિવાળી સુધી ગુજરાતમાં વાતાવરણમાં ખાસ પરિવર્તન નહીં આવે પમ દિવાળી બાદ ઠંડીમાં ક્રમશઃ વધારો થશે.  (File photo)