Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ બાદ હવે ઉત્તરાખંડમાં પણ મદરેસાઓનો કરાશે સર્વે

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ગેર માન્યતા પ્રાપ્ત મદરેસાનો સર્વે શરૂ થઈ ચુક્યો છે અને યોગી સરકારના આ નિર્ણયનો અનેક મુસ્લિમ સંસ્થાઓએ વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરાખંડમાં પણ મદરેસાઓના સર્વેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મદરેસાના સર્વેને જરૂરી ગણાવ્યો હતો. ઉત્તરાખંડમાં પણ આગામી દિવસોમાં મદરેસાના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી શકયતા છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે, “મદરેસાઓનો યોગ્ય રીતે સર્વે કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે અમે તેમનો સર્વે કરાવીશું કારણ કે આ સંસ્થાઓ પણ યોગ્ય હોવી જોઈએ. રાજ્યમાં વકફ બોર્ડની જમીન પર બનેલા મદરેસાનો સર્વે પણ કરવામાં આવશે. મદરેસાઓને લઈને વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી છે એટલા માટે સર્વે કરાવવો જરૂરી છે. ઉત્તરાખંડમાં લગભગ 103 જેટલી મદરેસા છે.

ઉત્તરાખંડમાં આગામી દિવસોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. મદરેસા નિયમ પ્રમાણે ચાલે છે કે કેમ તે જાણવાનો સર્વેમાં પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક મદરેસા નોંધણી વગર ગેરકાયદે રીતે ચાલી રહ્યાં છે તેની માહીતી પણ સામે આવશે. સર્વેમાં મદરેસાઓના રજિસ્ટ્રેશનની ચકાસણીની સાથે તમામ પ્રકારની માહિતી પણ લેવામાં આવશે.