અમદાવાદઃ શહેરમાં ઉત્તરાણ અને વાસી ઉત્તરાણના પર્વના બન્ને દિવસ લોકોએ પતંગો ચગાવીને મોજ માણી, હવે કપાયેલી પતંગો અને દોરી વૃક્ષો અને વીજળીના થાંભલાઓ પર લટકતી જોવા મળી રહી છે. તેમજ રસ્તાઓ પર પણ દોરીના ગુંચળા જોવા મળી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા લટકતી પતંગો અને દોરી એકત્ર કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અકસ્માતના બનાવને રોકવા માટે ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. CNCD વિભાગની ત્રણેય સિફ્ટની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ રોડ ઉપર દોરી અથવા લટકતી દોરી-પતંગ દેખાય તો તેને એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ઉત્તરાયણના દિવસે એક જ દિવસમાં 32 કિલોથી વધુ દોરીનો જથ્થો રોડ ઉપરથી ભેગો કરવામાં આવ્યો હતો.
એએમસીના CNCD વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ઉત્તરાયણ બાદ વૃક્ષો, વીજળીના પોલ અને રોડ પર લટકતી દોરીને કારણે અકસ્માતના બનાવો બનતા હોય છે. જેને રોકવા માટે ચાલુ વર્ષે સીએનસીડી વિભાગની ટીમો દ્વારા રોડ પરથી દોરીના જથ્થાને એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં દરેક ઝોન વાઇઝ ફાળવેલી ટીમો દ્વારા રોડ ઉપર જ્યાં પણ દોરીના જથ્થા કે લટકતી દોરી જોવા મળે તો તેને એકત્રિત કરી લેવામાં આવતી હતી. રોડ ઉપર ક્યાંય પણ દોરી લટકતી હોય અથવા દોરી રોડ ઉપર હોય તો વાહનમાં આવી જતા અકસ્માતના બનાવો બનતા હોય છે. જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી હતી.
એએમસીના CNCD ખાતાની રખડતા પશુ પકડવાની ટીમો દ્વારા શહેરના સાત ઝોનના મુખ્ય રસ્તાઓ, બ્રિજ, સર્કલ-જંક્શન, કોમ્પ્લેક્સ, ડિવાઇડર, બી.આર.ટી.એસ. ટ્રેક, મેટ્રો પીલર્સ, સેન્ટ્રલ વર્જ, જાહેર સ્થળો, થાંભલા, વૃક્ષ તથા તાર પર લટકતા દોરા, દોરાના ગૂંચળા, પતંગના કાગળ-કમાન પગમાં ભરાવાથી પડી જવાના બનાવો બનતા અટકાવવા ત્રણેય શીફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક સી.એન.સી.ડી. વિભાગની 22 ટીમો દ્વારા અંદાજીત 32 કિલો જેટલો પતંગ-દોરાનો વેસ્ટ એકત્ર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મકરસંક્રાંતિના દિવસે ગાયને લાડુ, ખીચડો, ઘાસ ખવાડાવવાના પુણ્યકાર્યનો સવિશેષ મહિમા હોય છે. શહેરમાંથી રખડતા પકડાયેલા પશુઓ મ્યુનિ. સંચાલિત કરૂણા મંદિરમાં રાખવામાં આવે છે. દાતાઓની સગવડતા ખાતર દાણીલીમડા અને બાકરોલ કરૂણા મંદિર ખાતે અલગ વિભાગ ઉભો કરી ગમાણો મૂકી અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.