Site icon Revoi.in

શાકભાજી બાદ મસાલાના ભાવમાં લાગી આગ ! જીરાના ભાવે રેકોર્ડ તોડ્યા

Social Share

દિલ્હી: શાકભાજી બાદ હવે મસાલાના ભાવમાં આગ લાગવાની સંભાવના છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કેટલાક મસાલાના ભાવ ડબલ ડીઝીટમાં વધી રહ્યા છે. તેમાં જીરાના ભાવમાં સૌથી વધુ વધારો જોવા મળી રહ્યો છે.

ગયા મહિને વાર્ષિક ધોરણે તેના છૂટક ભાવમાં લગભગ 75 ટકાનો વધારો થયો છે. શાકભાજી બાદ હવે મોંઘા મસાલા લોકોના ભોજનનો સ્વાદ બગાડી શકે છે. ભાવ વધવાનું કારણ હવામાનને જણાવવામાં આવી રહ્યું છે.

નિષ્ણાંતોના મતે હવામાનની અનિયમિતતા અને ઘટતા ઉત્પાદનને કારણે મસાલાના ભાવ વધી રહ્યા છે. પરિસ્થિતિ ગંભીર છે, કારણ કે ભાવમાં રાહત આગામી કેલેન્ડર વર્ષ સુધી જ અપેક્ષિત છે. ખાસ કરીને જીરાના ભાવમાં રાહતની શક્યતાઓ હાલ દેખાતી નથી. જીરું એ વર્ષમાં એક જ વાર ઉગાડવામાં આવતો પાક છે અને આ વર્ષે તેને 30 થી 40 ટકા જેટલું નુકસાન થયું છે.

જાણકારોના મતે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે હળદર જેવા અનેક પાકોની વાવણીમાં ભારે ઘટાડો નોંધાયો છે. બિપરજોયને કારણે રાજસ્થાનમાં ધાણાનો પટ્ટો ખતમ થઈ ગયો છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઓછા વરસાદને કારણે સૂકા મરચાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જાન્યુઆરી 2023 પછી મસાલાની કિંમતોમાં નરમાઈ જોવા મળી હતી. ત્યારબાદ વાર્ષિક ધોરણે મસાલાના ભાવમાં 21 ટકા મોંઘવારી હતી. પરંતુ ગયા મહિનાથી ફરી એકવાર મસાલાના ભાવમાં વધારો થયો છે.

નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિમિટેડ (NCDEX)ના ડેટા અનુસાર, આ વર્ષની શરૂઆતથી જ જીરાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 19 જૂનના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાની ઊંઝા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટિમાં બજારમાં ક્વિન્ટલ દીઠ રૂ. 50,000થી ઉપર ગયો હતો અને 18 જુલાઈએ રૂ. 60,000 પ્રતિ ક્વિન્ટલને સ્પર્શ્યો હતો. સત્તાવાર માહિતી અનુસાર, જીરુંનું ઉત્પાદન 2019-20માં 9.12 લાખ ટન (LT)થી ઘટીને 2020-21માં 7.95 લાખ ટન અને 2021-22માં 7.25 લાખ ટન થયું છે.