રાહ જોવડાવ્યા બાદ બનાસકાંઠા પર વરસ્યા મેઘરાજા, દાંતીવાડા અને ડીસામાં પાંચ ઈંચ વરસાદ
પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ વાદળછાંયુ બન્યા બાદ સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિત જિલ્લાઓમાં સંમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ થઇ રહ્યો છે. જેમાં ગઈકાલે મોડી સાંજે દાંતીવાડામાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ છેલ્લા 24 કલાકમાં ડીસામાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના પગલે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલી દુકાનોમાં પાણી ભરાઇ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
બનાસકાંઠામાં વરસાદથી ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. બે દિવસ પહેલા તો રાજસ્થાનમાં વરસાદને લીધે બનાસ નદી બે કાંઠા બની હતી. જિલ્લામાં શનિવારે બપોર બાદ વરસાદની હેલી શરૂ થઈ ગઈ છે. જેમાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી સાંજે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. દાંતીવાડામાં શનિવારે સાંજે બે કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો મેઘરાજાએ આખી રાત ધીમી ધારે અમી વરસાવ્યા બાદ આજે વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ડીસા પંથકમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યા હતા. ભારે વરસાદ થતા અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના પગલે ડીસાની સિંધી કોલોની, લાલચાલી, તેરમિનાળા અને સંતઅન્ના હાઇસ્કુલ પાસેના વિસ્તારોમાં એકથી બે ફૂટ જેટલું પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સંતઅન્ના હાઇસ્કુલ પાસે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલા શોપિંગ સેન્ટરોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારોને મોટું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે.