Site icon Revoi.in

ક્રાઈમ સિરિયલ જોઈને પ્રેમીએ મિત્ર સાથે મળીને પ્રેમિકા અને તેના દીકરાની કરી હત્યા

Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બાયડમાં માતા અને પુત્રની હત્યા કરીને લાશ ફેંકી દેવા ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખીને બે આરોપીઓની ધરપકડ કરી હતી. મૃતક મહિલાને જૂનાગઢના એક શખ્સ સાથે આડાસંબંધ હતા. આ પ્રેમીએ જ મિત્ર સાથે મળીને માતા-પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ ટીવી ઉપર દર્શાવવામાં આવતી ક્રાઈમ સિરીયલ નીહાળ્યા બાદ તેમની હત્યાનું કાવતરુ ઘડીને ગુનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લીનાં બાયડ તાલુકાનાં હઠીપુરા ખારી ગામેથી એક મહિલા અને એક બાળકની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો હતો. મૃતદેહ જમનાબેન ગામીત અને તેના 12 વર્ષના પુત્ર આલોકની હોવાનું ખુલ્યું હતું.

આ માતા-પુત્ર તાપી જિલ્લાનાં ખેરવાણ ગામનાં હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું . પોલીસ દ્વારા તપાસ કરતા મળી આવેલા બંને મૃતદેહોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં જૂનાગઢના સુરેશ અને તેના મિત્રની સંડોવણી ખૂલી હતી. મહિલાને સુરેશ સાથે આડોસંબંધ હતો. જો કે, છેલ્લા કેટલાક સમયથી મહિલા સાથે રાખવાની સુરેશને જીદ કરતી હતી. જેથી તેણે પોતાના મિત્ર સાથે મળીને તેની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. કાવતરા અનુસાર બંને આરોપી માતા-પુત્રને પોતાની સાથે લઈ ગયા હતા. જ્યાં દોરડા વડે ગળુ દબાવીને હત્યા કર્યાં બાદ નદીના કિનારે લાશ ફેંકીને ફરાર થઈ ગયા હતા.

આરોપીઓએ મહિલાના શરીર ઉપર પહેરેલા દાગીના અને મોબાઈલ ફોનની પણ લૂંટ ચલાવી હતી. પોલીસે બંને આરોપીઓને રાજકોટથી ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી રૂ. 3.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે.