જામનગરઃ સિંહ એ એવું પ્રાણી છે. કે દરેક સિંહ પરિવારને પોતાનો વિસ્તાર નક્કી હોય છે. અને પોતાના વિસ્તારમાં અન્ય સિંહ પરિવારને પ્રવેશવા દેતા નથી, ગીરના જંગલ વિસ્તારમાં સિંહની વસતીમાં વધારો થતાં હવે વનરાજો રેવન્યુ વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લા બાદ સોરઠ પંથક ઉપરાંત પોરબંદર રાજકોટ સુધી સિંહ વસવાટ કરવા લાગ્યા છે. જો કે જામનગરમાં સિંહના ક્યારે ય દર્શન થયા નથી. જો કે વર્ષો પહેલા જામનગર પંથકમાં પણ સિંહ જોવા મળતા હતા. ત્યારે વર્ષો બાદ એક સિંહણ જામનગર પંથકની સહેલગાહે આવી ચડી છે.
જામનગરના સડોદર નજીક ફુલનાથ મહાદેવના મંદિર વિસ્તારમાં સિંહણની પધરામણી થઈ છે. જામનગર ગ્રામ્ય પંથકમાં ફુલનાથ મહાદેવની વીડીમાં સિંહણ આંટાફેરા કરતી કેમેરામાં કેદ થઈ છે. વન વિભાગના અધિકારી આર. ધનપાલ અને RFO રાજન જાદવ સહિતની ટીમે સિંહણના આગમનની વાતને સમર્થન આપ્યું છે. જામજોધપુરના સડોદર નજીક સિંહણ આવી હોવાની ઘટનાને જંગલ ખાતાએ અભુતપુર્વ ગણાવ્યું છે. વન વિભાગે સિંહની હાજરીનું લોકેશન મેળવી લીધું છે.
જામનગરમાં રાજાશાહી બાદ દોઢસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જામજોધપુરના સડોદર નજીક આવેલા ફુલનાથ મહાદેવ મંદિરની વીડી વિસ્તારમાં સિંહણ આવી હોવાની સત્તાવાર વિગતો બહાર આવતા ભારે ઉત્તેજના ફેલાઇ છે, જંગલ ખાતા દ્વારા સિંહણની આ હિલચાલને અભુતપુર્વ ગણાવવામાં આવી છે,
સૂત્રોના જણાવ્યા મુજબ સડોદર અને ત્યારબાદ ધુનધોરાજી વિસ્તારમાં દિપડો ઘુસી આવ્યો હોવાની ફરિયાદો મળતા ફોરેસ્ટની ટીમ દ્વારા તાત્કાલીક પાંજરુ મુકીને દીપડાને કેદ કરવા કાર્યવાહી શરુ કરવામાં આવી હતી, આ દરમિયાન એક સીસીટીવી કેમેરામાં જયારે ઉપરોકત વિસ્તારમાં આંટાફેરા કરી રહેલું પ્રાણી જોવા મળ્યુ હતું ત્યારે જંગલ ખાતાના અધિકારીઓની આંખો ચાર થઇ ગઇ હતી, કારણ કે આ દિપડો નહીં પરંતુ સિંહણ હોવાનું જાણવા મળ્યુ હતું. જે સિંહણ કેમેરામાં કેદ થઇ છે તે સડોદર નજીક આવેલા ફુલનાથ મહાદેવ મંદિરની વીડી વિસ્તારમાં જોવા મળી છે, હાલમાં પણ ત્યાં સિંહણનો મુકામ છે અને સિંહણની સાથે જંગલના રાજા કે પછી તેના કોઇ શ્રાવકો સાથે આવ્યા છે કેમ તેની ખરાઇ કરવામાં આવી રહી છે.
વન વિભાગના અધિકારીના કહેવા મુજબ માત્ર ફુટ પ્રિન્ટ જ નહીં પરંતુ કેમેરામાં પણ સ્પષ્ટ રીતે સિંહણ જોવા મળી છે. હાલમાં આ બાબતે વધુ પેનીક ફેલાય નહીં અને સિંહણને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટે નહીં એ બાબતની તકેદારી રાખવામાં આવી રહી છે.