અમદાવાદમાં ડ્રગ્સના વધતા જતાં દૂષણ સામે ક્રાઈમ બ્રાન્ચે અલગ નાર્કોટિક્સ સેલ કાર્યરત કર્યો
અમદાવાદ: શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. સાથે શહેરમાં અન્ય ગુનાઓની જેમ ડ્રગ્સનું દૂષણ પણ વધતું જાય છે. છેલ્લા કેટલાક સમયથી યુવાધન ડ્ર્ગ્સના રવાડે ચઢી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. યુવાધનને બરબાદીના પંથે જતું અટકાવવા માટે તેમજ ડ્રગ્સની બદી દૂર કરવા માટે શહેર પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે સખત કાર્યવાહી શરૂ કરી છે. શહેર પાલીસ કમિશનરે ડ્રગ્સ સામે પરિણામલક્ષી પગલાં લેવાની સુચના આપ્યા બાદ શહેરની ક્રાઇમબ્રાન્ચે પણ એન્ટી નાર્કોટીક્સ સેલની રચના કરી છે. જે ડ્રગ્સની બદી દૂર કરવા માટે કાર્યવાહી કરશે.
અમદાવાદ શહેરમાં ડ્રગ્સનું દૂષણ વાલીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે, દેખાદેખીમાં કરેલો નશો ક્યારેક આદતમાં પરિણમે છે અને યુવાધન બરબાદીને આમંત્રણ આપી રહ્યાં છે. ત્યારે આ સંજોગોમાં યુવાધનને ડ્રગ્સના રવાડે ચડતું અટકાવવા માટે શહેર ક્રાઇમબ્રાન્ચે એન્ટિ નાર્કોટિક્સ સેલની રચના કરી છે. આ સેલમાં 1 પીઆઇ, 2 પીએસઆઇ, અને 25 પોલીસ કર્મચારી કામગીરી કરી રહ્યાં છે. આ સાથે સાથે આ ટીમમાં ટેકનીકલ એનાલીસીસ કરી શકે તેવા પોલીસ કર્મચારી પણ સામેલ છે. જે ડ્રગ્સ માફિયાઓ અને ડ્રગ્સ પેડલરો પર બાજ નજર રાખી રહ્યા છે. મોટા ભાગનાં કિસ્સામાં એન્ટી નાર્કોટીક્સ સેલ દ્વારા કરવામાં આવેલા કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ગાંજો ઓરિસ્સા, એમ ડી ડ્રગ્સ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તેમજ ચરસ કાશ્મીર બાજુથી આવે છે. એટલે ડ્રગ્સની હેરાફેરી સામે બાજ નજર રાખવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેર ક્રાઇમબ્રાન્ચની એન્ટી નાર્કોટિક્સ ટીમ દ્વારા છેલ્લા એક મહીનામાં 10 જેટલા નાર્કોટીક્સના કેસ કરવામાં આવ્યાં છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ કબ્જે કરવામાં આવ્યું છે. ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્કને તોડી પાડવા માટે આ સેલ દ્વારા કોઇપણ કેસના મૂળ સુધી પહોચવા માટેના પ્રયત્ન કરે છે. જેથી સમગ્ર નેટવર્કને તોડી શકાય જેના માટે જરૂર પડ્યે ટેકનોલોજીની પણ મદદ લેવામાં આવી રહી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા ડ્રગ્સની બદીને જડમૂળમાંથી દૂર કરવા માટે ડ્રગ્સ પેડલરોને પણ પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.