ખારાઘોડાના રણ વિસ્તારમાં પાણીનાં ટેન્કર બંધ થયાં બાદ અગરિયાની પરિવારો પાણી માટે રઝળપાટ
સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા-પાટડી સહિતના રણ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અને મીઠાના અગરો પાસે જ ઝૂંપડાં બનાવીને વસવાટ કરતા હોય છે. લગભગ 2500 જેટલા અગરિયા પરિવારો વસવાટ કરી રહ્યા છે. અગરિયા પરિવારોને પાણી પુરવઠા બોર્ડ દ્વારા રણમાં ટેન્કરો મોકલીને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ પાણી પુરૂ પાડતા કોન્ટ્રાક્ટરને સીઝનથી અત્યાર સુધીમાં એક પણ બિલ ન ચૂકવતા ગત 10મી માર્ચથી રણમાં ટેન્કરો દ્વારા પીવાના પાણીનું વિતરણ બંધ કરવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજુ ઓડું બોર પણ ફેઇલ થતાં રણમાં પાઇપલાઇનથી પણ અગરિયાઓને પાણી બંધ કરાતા પાણીનો પોકાર શરૂ થયો છે. છેલ્લા 3 દિવસથી રણમાં પીવાના પાણીની એક બુંદ પણ ન મળતા મીઠું પકવતા અગરિયા પરિવારોનો પાણી માટે રઝળપાટ કરતાં જોવા મળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના નાના રણમાં મીઠાંનું સારૂએવું ઉત્પાદન થાય છે. ઉનાળાના અસહ્યા તાપમાનમાં અગરિયાઓ અફાટ રણમાં મીઠું પકવતા હોય છે. ગરીબ અને પછાત અગરિયા પરિવારો રણમાં ઓક્ટોબર માસથી મીઠું પકવવાની શરૂઆત કરતા હોય છે. અને ત્યારથી જ પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કરો દ્વારા અને ઓડું ગામના બોરમાંથી રણમાં 35 કિ.મી.સુધીની પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતુ હતુ. ત્યારે આ વર્ષે 8 ટેન્કરો દ્વારા રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને દર 15 દિવસે નિયમિત પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હતુ. પરંતુ ગાંધીનગર પાણી પુરવઠા બોર્ડ દ્વારા રણમાં ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડતા કોન્ટ્રાક્ટરને સીઝનથી અત્યાર સુધીમાં એક પણ બિલ ન ચૂકવતા કોન્ટ્રાક્ટર દ્વારા ગત 10મી માર્ચથી રણમાં ટેન્કરો દ્વારા પીવાના પાણીનું વિતરણ બંધ કરવામાં આવ્યું હતુ. કારણ કે, એમને આઠ ટેન્કરોમાં રોજના રૂ. 80,000નો તો ડીઝલનો ખર્ચ કરવા પડતો હતો. બીજી બાજુ રણમાં પાઇપલાઇન દ્વારા જ્યાંથી પાણી પુરૂ પાડવામાં આવતુ હતુ એ ઓડું ગામનો બોર પણ ફેઇલ થતાં રણમાં પાઇપલાઇનથી પણ અગરિયાઓને પાણી બંધ થતાં વેરાન રણમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ખારાઘોડાના રણમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનતા મીઠું પકવતા અગરિયા પરિવારોને પાણી માટે મોટરસાયકલ પણ દૂર-દૂર સુધી રઝળપાટ કરવાની નોબત આવી છે. હજી આગામી દિવસોમાં રણમાં ગરમીનો પારો 48 ડીગ્રીને પણ પાર જાય એમ હોવાથી તંત્ર દ્વારા અગરિયા પરિવારો માટે રણમાં પીવાના પાણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠી છે.