સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે સૌથી વધુ દયનીય હાલત ખારાઘોડા અને પાટડી સહિતના કચ્છના નાના રણ તરીકે ઓળખાતા અફાટ રણ વિસ્તારમાં કાળી મજુરી કરતા અગરિયાઓની છે. હીટવેવના પગલે કચ્છના નાના રણમાં ગરમીનો પારો 45 ડીગ્રીને પાર પહોંચતા મીઠું પકવતા અગરિયા પરિવારોની હાલત દયનીય બની છે. આખા રણમાં ક્યાંય કોઇ ઝાડ કે છાયડો ન હોવાથી ગરીબ અને પછાત અગરિયા પરિવારોને ઉપર આભ અને નીચે ધરતી તળે મીઠું પકવવાની ફરજ પડી રહી છે.
ગુજરાતભરમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રી વટાવી ગયો છે. ત્યારે ઝાલાવાડમાં પણ તાપમાન પારો 43 ડીગ્રીને વટાવી ગયો છે. અને તંત્ર દ્વારા યર્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લામાં રણ પ્રદેશ વધુ હોવાથી આકારો તાપ વરસી રહ્યો છે. જેમાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતો જિલ્લાના અફાટ રણ વિસ્તારમાં તો આકાશમાંથી અંગારા ઓકતી કાળઝાળ ગરમી વરસી રહી છે. આ વિસ્તારમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ગયું છે. રણ વિસ્તારના ખારાઘોડા, ઝીંઝુવાડા અને કૂડા, પાટડી સહિતના રણ વિસ્તારોમાં ગરમ પવન સાથે અસહ્ય તાપમાનનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે રણમાં કામ કરતા અગરીયાઓની હાલત કફોડી બની છે. કાળઝાળ ગરમીમાં પણ અગરિયાઓ પરિવાર સાથે કાળી મજુરી કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા હિટવેવથી બચવા અપીલ કરી છે. રણમાં ક્યાય કોઇ જગ્યાએ ઝાડ કે છાયડાની સુવિધા ન હોવાથી અગરિયા સમુદાય માટે આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીમાં મીઠું પકવવાનું કામ દિવસેને દિવસે દોઝખ બનતું હોય છે.
સુરેન્દ્રનગર શહેરના લોકોને ગરમીથી બચવા યોગ્ય તકેદારી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જેમાં બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવું, શક્ય હોય તો સફેદ કપડાં પહેરવા અને લીંબુ શરબત અને વરિયાળીના શરબત પર વધુ ભાર આપવો. અને શક્ય હોય તો હિટવેવની પરિસ્થિતિ વચ્ચે બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને બહાર ન નીકળવા જણાવાયું છે. હજુ પણ તાપમાન વધી શકે છે તેવી શક્યતાઓ પણ જિલ્લા ડિઝાસ્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.