Site icon Revoi.in

અમદાવાદ કાંકરિયા ઝૂમાં વયોવૃદ્ધ સિંહ અંબરનું મોત, પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર કરાયા

Social Share

અમદાવાદઃ  શહેરના કાંકરિયા ખાતે આવેલા કમલા નહેરૂ પ્રાણી સંગ્રહાલયમાં વયોવૃદ્ધ સિંહ અંબરનું ઉંમરને કારણે મોત નિપજ્યું હતું. સિંહનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે આણંદ વેટરનરી કોલેજને મોકલવામાં આવ્યો હતો. જ્યાં આણંદ વેટરનરી કોલેજના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એશિયાટીક સિંહ નર અંબરનું મૃત્યુ વૃદ્ધાવસ્થાને કારણે જ થયું હોવાનું પુરવાર થયું હતુ. ત્યારબાદ સિંહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના  કાંકરિયા વિસ્તારમાં આવેલા કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય ખાતે એશિયાટીક સિંહ અંબરને 26 નવેમ્બર 2008ના રોજ લાવવામાં આવ્યો હતો. અંબરની  ઉંમર 18 વર્ષની થતાં તે છેલ્લાં 15 દિવસથી બીમાર હતો. સામાન્ય રીતે એશિયાટીક સિંહનું બંધનવસ્થામાં સરેરાશ આયુષ્ય 15થી 16 વર્ષનું હોય છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીના નીતિ નિયમ મુજબ વન ખાતાના અધિકારી અને પંચોની હાજરીમાં મૃત એશિયાટિક સિંહના તમામ અવયવો જેવા કે નખ, ચામડી અને સંપૂર્ણ શરીરનો અગ્નિસંસ્કાર કરી તેની રાખને ઉંડા ખાડામાં દાટીને સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, હાલમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્ય પ્રાણી પક્ષીઓ રાખવામાં આવેલાં છે. તેમાં એશિયાટીક સિંહ નર 1 અને માદા 2, વાઘ નર 1 અને માદા 2 સફેદ વાઘણ, 1 દિપડો, એક જોડી હિપ્પોપોટેમસ, હાથણી 1, ઝરખ માદા 1 અને રિંછ 1 તથા 16 શિયાળ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કમલા નહેરૂ પ્રાણી સંગ્રહાલયમાં તમામ પ્રાણીઓ અને પક્ષીઓની પણ સારી સારસંભાળ કરવામાં આવતી હોય છે. શિકારી ગણાતા પ્રાણીઓના ખોરાકમાં પણ પુરતું ધ્યાન આપવામાં આવતું હોય છે. હાલ ગરમી શરૂ થતાં જ તમામ પ્રાણીઓને જરૂર મુજબની ઠંડક મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે, (FILE PHOTO)