નાની બચત યોજનામાં ગેરરીતિ રોકવા હવે એજન્ટોના કેરેક્ટર સર્ટિ. માટે બે ગેઝેટેડ ઓફિસરના સહી-સિક્કા ફરજિયાત
અમદાવાદઃ નાની બચત યોજનામાં ભૂતકાળમાં એજન્યો દ્વારા અનેક ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી. એટલે હવે સરકારે કડક નિયમો બનાવ્યા છે. નાની બચત યોજના હેઠળ ચાલતી મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત અને સ્ટાન્ડર્ડાઇઝ એજન્સી સિસ્ટમ યોજનામાં ગેરરીતિ રોકવા નાયબ નિયામકે કડક નિયમો બનાવાયા છે. નવા નિયમ મુજબ નવા અને જૂના એજન્ટોના કેરેકટર સર્ટિફિકેટ માટે બે ગેઝેટેડ ઓફિસરોના સહી-સિક્કા ફરજિયાત કરાયા છે. અમદાવાદના 10 હજાર સહિત ગુજરાતમાં 24 હજાર એજન્ટો સાથે જોડાયેલા હજારો નાના બચતકારોના હિતમાં નિર્ણય કરાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નાની બચત યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એજન્ટોના માધ્યમથી મહિને પોસ્ટમાં બચતની રકમ ભરે છે. ગેરરીતિ અટકાવવા એજન્ટો માટે ઓગસ્ટ, 2020થી કડક નિયમ બનાવનાર સિટી ડેપ્યુટી કલેકટર (પૂર્વ) અને ઇન્ચાર્જ નાયબ નિયામક અનસૂયા ઝાએ કહ્યું કે, એજન્ટે કરેલા કામ અંગે પોસ્ટ માસ્ટરનું પ્રમાણપત્ર જરૂરી છે. બચતની રકમનો દુરપયોગ ન થાય તે માટે સુધારા-વધારા કરાયા હતાં. રિલીફરોડ પર ઉદ્યોગભવનમાં કાર્યરત નાની બચત યોજનાની કચેરીમાંથી સમગ્ર રાજ્યનું સંચાનલ થાય છે. જોકે જિલ્લા પ્રમાણે અધિકારીઓની નિયુક્તિ છે.
જેમાં નવા એજન્ટોની નોંધણી સહિત જૂના એજન્ટોના રિન્યુ સહિતની કામગીરી થાય છે. એજન્ટ માટેના ફોર્મનું વિતરણ જિલ્લા કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાંથી મળે છે. એજન્ટના મરણના કેસમાં વારસાઇ અને પેઢીનામું હોવું જોઇએ. જો ના હોય તો એજન્સી રદ થાય છે. એજન્ટ બહારગામ જાય ત્યારે પોસ્ટમાસ્ટરની એનઓસી ફરજિયાત લેવી પડે છે. એજન્ટ કામ કરે નહીં અથવા બચતકારોની રજૂઆત હોય ત્યારે પણ એજન્સી રદ કરવા માટે પોસ્ટમાસ્ટરે વિભાગને ત્વરિત પત્ર લખવો. પોલીસ સ્ટેશનમાં દાખલમાં બોગસ સહીં-સિક્કાનો ઉપયોગ થતો હોવાથી ડિઝિટલ દાખલો મંગાવવાનો નિયમ કરાયો.