Site icon Revoi.in

ટોલટેક્સ માગતા ઉશ્કેરાયેલા PI સહિતના ટોળાંએ ટોલટેક્સ કર્મીના હાથ-પગ તોડી નાંખ્યા

Social Share

જુનાગઢઃ નેશનલ હાઈવે પર ટોલનાકાના કર્મચારીઓ સાથે વાહનચાલકોની અવાર-નવાર બબાલ થતી હોય છે. જેમાં ઘણીવાર પોલીસ કે સરકારી અધિકારીઓ ટોલટેક્સ ન આપવો પડે તે માટે પોતાનો રૂઆબ બતાવતા હોય છે. આવો જ એક બનાવ વંથલી પાસે આવેલા ટોલટેક્સ પર બન્યો હતો. ખાનગી કારમાં આવેલા પોલીસ ઈન્સ્પેક્ટર પાસે ટોલટેક્સ માગતા પીઆઈએ પોતાનું આઈકાર્ડ બતાવ્યુ હતુ. છતાં ટેલટેક્સ કર્મચારીઓએ ટોલ લેવાનો આગ્રહ કરતા બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી. અને ટોળું એકઠું થઈ જતાં ટોલ કર્મચારી પર પીઆઈ અને 20 જેટલા લોકોએ હુમલો કર્યો હતો. આ બનાવના સીસીટીવી કૂટેજ મેળવીને પોલીસે પીઆઈ સહિત ટોળાં સામે હત્યાની કોશિશ, લૂંટ રાયોટિંગનો ગુનો કરી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વંથલી પાસે હાઈવે પર આવેલા ગાદોઈ ટોલનાકા પર પીઆઈને ટોલટેક્સ આપવા બાબતે માથાકૂટ થઈ હતી. પીઆઈ આર. એ.ભોજાણી અને ત્રણ ફોર વ્હીલમાં આવેલા 20થી વધુ અજાણ્યા શખસોએ ટોલનાકા સંચાલક અને કર્મચારી પર જીવલેણ હુમલો કરી મોબાઈલની લૂંટ ચલાવી હતી. ત્યારે ગંભીર રીતે ઘવાયેલા ટોલનાકાના બંને કર્મચારીઓને સારવાર માટે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બંને ઈજાગ્રસ્તોના હાથ પગમાં ફ્રેકચરને ગંભીર ઇજાઓ થયાની જણાવ્યું હતું. જેને લઇ વંથલી પોલીસે પીઆઈ આર. એ. ભોજાણી સહિત 20થી વધુ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગ સહિતનો ગુન્હો નોંધ્યો છે. હાલ જુનાગઢ પોલીસે પીઆઈ આર.એ ભોજાણી સહિત તેના 20થી વધુ મળતિયાઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

આ ઘટના બાબતે ટોલનાકાના સંચાલક રાજેશ છૈયાએ જણાવ્યું હતું કે, હું ગાદોઈ ટોલનાકામાં સંચાલક તરીકે ફરજ બજાવી રહ્યો છું. અમારા ટોલનાકા પર બ્લેક કલરની સ્કોર્પીયો જીપ આવી અને અમને કાર્ડ બતાવ્યું હતું. કાર્ડ બતાવવા બાબતે ટીસી જોડે થોડી રકઝક થઈ હતી. ત્યારબાદ પીઆઈ ભોજાણીએ પિસ્તોલ બતાવી બૂથમાંથી બહાર કાઢી અને જીપમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટોળું ભેગું થઈ જતાં ત્યાં થોડી રકઝક થઈ. જે બાદ અમે આ મામલે વંથલે પોસીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. ત્યાં પોલીસે ટોલબૂથના સીસીટીવી ફૂટેજ ચેક કરવા ટોલનાકા પર બોલાવ્યા હતા. જેથી હું અને મારો સાથી કર્મચારી ટોલનાકા આવવા માટે નીકળ્યા હતા. જોકે રસ્તામાં અમને ત્રણ-ચાર ગાડીએ રોકી લીધા. જ્યાં ત્રણ-ચાર વ્યક્તિઓ પિસ્તોલ લઈને નીકળ્યાં અને અન્ય લોકો લોખંડના હથિયારો લઈ અમારા પર હુમલો કર્યો હતો.

આ અંગે જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના પી.આઈ આર.એ ભોજાણી તેનો સ્કોર્પીયો લઈ ગાદોઈ ટોલનાકે નીકળ્યા હતા. ત્યારે પીઆઈ ભોજાણીએ ટોલનાકાના મેનેજર અને ટોલ વસૂલતા કર્મચારી સાથે માથાકૂટ થઈ હતી. પીઆઈ આર.એ ભોજાણી તેમજ ત્રણ ફોર વ્હીલ ગાડીઓમાં 20થી વધુ માણસોએ ટોલનાકાના મેનેજર અને કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો હતો. પીઆઈ તેમજ 20થી વધુ ઈસમોએ હુમલો કરતા ફરિયાદી ટોલનાકાના સંચાલક રાજુભાઈ છૈયા અને ભાવેશ ટાટમિયાને ગંભીર ઇજાઓ અને પગમાં ફેક્ચર થયુ છે. ઇજાગ્રસ્ત ટોલનાકાના સંચાલક અને કર્મચારી હાલ જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ત્યારે ભોગવનાર ટોલ નાકા સંચાલક રાજેશ છૈયાએ પીઆઈ આર. એ ભોજાણી સહિત 20થી વધુ લોકો પર લુટ, હત્યાની કોશિશ અને રાયોટીંગનો ગુનો નોંધાવ્યો છે.