Site icon Revoi.in

અમદાવાદમાં માલધારીઓની વેદના રેલી, પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા આપવા માગ

Social Share

અમદાવાદ :  રાજ્યમાં ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોર પકડવાની તંત્ર દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝૂંબેશને કારણે વર્ષોથી પોતાના માલ-ઢોર સાથે શહેરી વિસ્તારોમાં વસવાટ કરતા માલધારીઓ પણ પરેશાન બન્યા છે. માલધારી મહાપંચાયતની માગણી છે, કે, શહેરી વિસ્તારોમાં ગામડા ભેળવવાનું બંધ કરવું જોઈએ, માલધારી વસાહતો બનાવી વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, માલધારીઓ ઉપર ખોટા પોલીસ કેસ અને મારઝૂડ સત્તાધીશો બંધ કરે, તેમજ શહેરી વિસ્તારમાં ઘરે રાખતા પશુઓ માટે ઘાસ-ચારો સત્તાધીશોએ બંધ કરાવ્યો છે તે જાહેરનામું પરત ખેંચવા સહિત વિવિધ માગણીઓના ઉકેલ માટે અમદાવાદમાં બાપુનગરથી લાલા દરવાજા સુધી માલધારીઓની રેલી યોજવામાં આવી હતી.

અમદાવાદમાં માલધારી મહાપંચાત દ્વારા માલધારી વેદના રેલી કાઢવામાં આવી છે. બાપુનગરના ભીડ ભંજન હનુમાન મંદિરથી લાલ દરવાજાના ભદ્રકાળી મંદિર સુધી માલધારી “ વેદના રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માલધારીઓ રેલીમાં જોડાયા હતા. માલધારીઓની માંગ છે કે, ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરવામાં આવે. શહેરીકરણ બંધ કરી અને માલધારીઓને અલગ વસાહત બનાવી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. માલધારીઓ રોડ પર પશુ છુટા મૂકે છે એવો પ્રચાર બંધ કરવામાં આવે. શહેરમાં રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર કરીને માલધારીઓએ વિરોધ નોંધાયો હતો. માલધારીના પ્રશ્નોનું સમાધાન લાવવા માટે સરકાર રજુઆત કરવામાં આવી છે.

રાજ્યમાં રસ્તે રખડતાં ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવાયા બાદ તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માલધારી સમાજ દ્વારા રખડતા ઢોરને પકડવાને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે.  માલધારીઓ રખડતા પશુઓને લીધે નિર્દોષ રાહદારીઓને અકસ્માતથી દુઃખ પણ વ્યક્ત કર્યુ હતું અને આ મામલે સાથે બેસીને સુખદ નિરાકરણ લાવવામાં આવે તેવી માગણી કરી છે. વાડાઓમાંથી પશુઓ ઝુટવી જવાનું સત્તાધીશો બંધ કરે. અને માલધારીઓ ઉપર ખોટા પોલીસ કેસ અને મારઝૂડ સત્તાધીશો બંધ કરે, ગૌચરોની જમીનો ગળી જવાનો કાળો કાયદો રદ કરવો જોઈએ. અને માલધારીઓને બેરોજગાર બનાવનું સત્તાધીશો બંધ કરવો જોઈએ. તેવી માલધારી પંચાયતે માગ કરી છે.