અમદાવાદઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. પંચાગ મુજબ દીપાવલીના શુભ તહેવારમાં પણ આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ અને વાઘબારસ ભેગા છે તથા ધનતેરસને દિવસે જ કાળીચૌદશ મનાવાશે. તારીખ 1 નવેમ્બરને સોમવારથી જ દીપાવલી મહાપર્વની શરૂઆત થશે.
શહેરના કર્મકાંડી જ્યોતિષોના જણાવ્યા મુજબ આ વર્ષે ચૌદશની તિથિનો ક્ષય હોવાને કારણે સોમવારે 1 નવેમ્બરે રમાએકાદશી અને વાઘબારસ મનાવાશે. જ્યારે મંગળવારે તારીખ 2 નવેમ્બરે દિવસે સવારે 11.31 સુધી વાઘબારસની તિથિ છે અને ત્યારબાદ તેરસની તિથિ છે. આમ તેરસનું મહત્ત્વ સાંજના પ્રદોષકાળે હોવાથી મંગળવારે બારસના દિવસે જ ધનતેરસ મનાવાશે. તારીખ 3 નવેમ્બરને બુધવારે સવારે 9.02 સુધી જ તેરસની તિથિ છે અને તેરસના દિવસે જ ચૌદશની તિથિ બેસી જાય છે. ચૌદશની તિથિનો ક્ષય હોવાથી બુધવારે તેરસના દિવસે જ કાળીચૌદશ મનાવાશે. જ્યારે દિવાળી તારીખ 4 નવેમ્બરને ગુરુવારે અમાસના દિવસે જ મનાવાશે. દિવાળીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.
જ્યોતિષવિદોના કહેવા મુજબ આસો વદ-7ને તારીખ 28ને ગુરુવારે પુષ્યામૃત યોગ છે. સવારે 9.42થી પ્રારંભ થતા આ શુભ યોગમાં સોના-ચાંદી, વાહન ખરીદી, પૂજન માટેના ચોપડાની ખરીદી માટે શ્રેષ્ઠ યોગ માનવામાં આવે છે. દિવાળી પહેલા જ હાલ બજારમાં રોનક અને રોશનીનો ઝગમગાટ છવાયો છે ત્યારે દિવાળી પહેલા જ આવતા આ યોગમાં લોકોને પોતાની પસંદગીની ચીજવસ્તુઓ ખરીદવાનો શ્રેષ્ઠ અવસર મળશે. દિવાળીના પર્વને ગણતરીના દિવસ બાકી હોવાથી બજારોમાં ખરીદી નિકળી છે. વેપારીઓના કહેવા મુજબ લોકો મોંઘવારીને લીધે જરૂર હોય એટલી જ વસ્તુઓ ખરીદી રહ્યા છે. આ વખતે ભારે ડિસ્કાઉન્ટને કારણે રેડિમેડ કપડાંનો ઓનલાઈન વેપાર સારોએવો થયો હોવાથી શહેરના રિટેલ વેપારીઓને ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે ઘરાકી જોવા મળતી નથી.