Site icon Revoi.in

ભારતીય સુરક્ષા દળોમાં ચાર વર્ષ માટે ભરતી કરાશે અગ્નિવીર, રૂ. 6.9 લાખ સુધી વર્ષનું પેકેજ

Social Share

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોમાં 4 વર્ષ માટે સૈનિકોની ભરતી કરવા માટે ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સંરક્ષણ બાબતોની કેબિનેટ સમિતિએ ભારતીય સેનાને વિશ્વની શ્રેષ્ઠ સેના બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. અમે અગ્નિપથ યોજના લાવી રહ્યા છીએ. આ સાથે ભારતીય યુવાનોને ‘અગ્નવીર’ તરીકે સેવા કરવાની તક આપવામાં આવશે. તેનાથી દેશની સુરક્ષા મજબૂત થશે અને યુવાનોને રોજગારીની તકો મળશે. દેશના દરેક યુવાનો જીવનમાં સેનામાં ભરતીનું સપનું જુએ છે. આ અગ્નિપથ યોજનાથી રોજગારની તકો વધશે અને યુવાનોને અન્ય ક્ષેત્રોમાં જવાની પણ સારી તકો મળશે. અગ્નિવીર માટે સારું પે-પેકેજ ઉપલબ્ધ થશે. આ સિવાય બહાર નીકળવાના સમયે સારી રકમ આપવામાં આવશે.

આ યોજનાની માહિતી આપતા લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું કે, આ યોજનાથી સુરક્ષા દળો પાસે યુવા શક્તિ હશે. આનાથી ફિટનેસનું સ્તર પણ વધુ સુધરશે. હાલમાં ભારતીય સશસ્ત્ર દળોની સરેરાશ ઉંમર 32 વર્ષ છે. આ યોજનાના અમલીકરણ સાથે, તે 24 થી 26 વર્ષ જ થશે. એટલું જ નહીં, સુરક્ષા દળો ઉચ્ચ કૌશલ્યના સંસાધનો પણ મેળવી શકશે. અગ્નિવીર માટે સારું પે-પેકેજ ઉપલબ્ધ થશે. આ સિવાય બહાર નીકળવાના સમયે સારી રકમ આપવામાં આવશે. લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું કે, જો અગ્નિવીર સેવા દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપે છે તો તેના પરિવારને રૂ. એક કરોડની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત વિકલાંગતાના કિસ્સામાં 48 લાખ રૂપિયાની રાહત રકમ આપવામાં આવશે.

અગ્નિપથ મોડલ હેઠળ સેનામાં (PBOR) રેંકથી નીચેનાં અધિકારીઓની ભરતી કરવામાં આવશે. 4 વર્ષની સેવામાં 6 મહિનાની તાલીમનો સમયગાળો પણ સામેલ છે. અગ્નિપથ દ્વારા સેનાનો ભાગ બનેલા સૈનિકોને દર મહિને 30 હજારથી 40 હજાર રૂપિયાનો પગાર મળશે. આ સાથે તેમને 48 લાખ રૂપિયાનો વીમો પણ મળશે. સૈનિકોને ‘અગ્નવીર કૌશલ્ય પ્રમાણપત્ર’ પણ મળશે, જે તેમને સેનામાં સેવા આપ્યા પછી અન્ય નોકરીઓ સુરક્ષિત કરવામાં મદદ કરશે.