નવી દિલ્હીઃ ભારત-યુએસ કોમર્શિયલ ફ્રેમવર્ક હેઠળ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન અને ઇનોવેશન પાર્ટનરશિપ સ્થાપિત કરવા માટે ભારત અને યુએસએ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીમાં આયોજિત કોમર્શિયલ ડાયલોગ 2023 બાદ બંને દેશોએ આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના આમંત્રણ પર યુ.એસ.ના વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડો નવી દિલ્હીની મુલાકાતે આવ્યાં છે. મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ માટે નવી તકો ખોલવામાં સહકારની ચર્ચા કરવા માટે આજે ભારત-યુએસ કોમર્શિયલ વાતચીત ફરી શરૂ કરવામાં આવી હતી.
એમઓયુનો ઉદ્દેશ યુએસ ચિપ્સ અને સાયન્સ એક્ટ અને ભારતના સેમિકન્ડક્ટર મિશનના ધ્યાનમાં રાખીને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતા અને વૈવિધ્યકરણ પર બંને સરકારો વચ્ચે સહયોગી વ્યવસ્થા સ્થાપિત કરવાનો હતો.
તેનો ઉદ્દેશ્ય બંને દેશોની પૂરક શક્તિઓનો લાભ લેવા અને સેમિકન્ડક્ટર મૂલ્ય સાંકળના વિવિધ પાસાઓ પર ચર્ચા દ્વારા વ્યાપારી તકો અને સેમિકન્ડક્ટર ઇનોવેશન ઇકોસિસ્ટમના વિકાસને સરળ બનાવવાનો છે. એમઓયુ પરસ્પર ફાયદાકારક R&D, પ્રતિભા અને કૌશલ્ય વિકાસની પરિકલ્પના કરે છે.