- દ્વિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી
- પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં હસ્તાક્ષર
- SEBI અને મોંગોલિયાના ફાઇનાન્સિયલ રેગ્યુલેટરી કમિશન વચ્ચે કરાર
દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) અને મોંગોલિયાના ફાઇનાન્સિયલ રેગ્યુલેટરી કમિશન વચ્ચે દ્વિપક્ષીય સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષરને મંજૂરી આપવામાં આવી છે.
SEBIની જેમ FRC પણ આંતરરાષ્ટ્રીય સિક્યોરિટીઝ કમિશન સંગઠનના બહુપક્ષીય MoU (IOSCO MMoU)માં સહ-હસ્તાક્ષરકર્તા છે.જોકે, IOSCO MMoU પાસે તેમના અવકાશ હેઠળ ટેકનિકલ સહાયતાની જોગવાઇ નથી.સૂચિત દ્વિપક્ષીય MoU, સિક્યોરિટીઝ કાયદાના અસરકારક અમલ તરફ દોરી જતા માહિતીના આદાનપ્રદાનના માળખાને વધુ મજબૂત કરવા માટે યોગદાન આપશે અને તે ઉપરાંત, ટેકનિકલ સહાયતા કાર્યક્રમ સ્થાપવામાં પણ મદદરૂપ થશે.ટેકનિકલ સહાયતા કાર્યક્રમથી સત્તામંડળોને મૂડી બજારો, ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ અને સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમો સંબંધિત બાબતો પર પરામર્શ કરવાથી ફાયદો થશે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ની સ્થાપના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અધિનિયમ, 1992 હેઠળ કરવામાં આવી હતી. ભારતમાં સિક્યોરિટીઝ બજારમાં નિયમન માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. SEBIની સ્થાપના કરવાનો મૂળ ઉદ્દેશ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો અને ભારતમાં સિક્યોરિટીઝ બજારોના નિયમિત તેમજ તેમના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. SEBI અધિનિયમ, 2002ની કલમ 11ની પેટ કલમ (2)ની જોગવાઇ (ib) અંતર્ગત SEBIને ભારતમાં અથવા ભારતની બહાર તેમના જેવું જ કામ કરી રહેલા બોર્ડ પાસેથી માહિતી માંગવા અથવા તેમની સમક્ષ માહિતી રજૂ કરવાની સત્તા આપવામાં આવી છે, જે સિક્યોરિટીઝના કાયદાઓના સંદર્ભમાં ઉલ્લંઘન રોકવા અને શોધવા સંબંધિત બાબતોમાં કરવામાં આવે છે. આ માહિતી માંગવા કે રજૂ કરવાનું અન્ય કાયદાઓની જોગવાઇઓને આધીન હોય છે. ભારતની બહાર કોઇપણ સત્તામંડળને કોઇપણ માહિતી પૂરી પાડવા માટે, SEBI કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી સાથે આવી સત્તા સાથે કોઇ વ્યવસ્થા અથવા કરાર અથવા સમજૂતી કરી શકે છે. આ પૃષ્ઠભૂમિમાં, FRCએ SEBIને પરસ્પર સહકાર અને ટેકનિકલ સહાયતા માટે દ્વિપક્ષીય MoU પર હસ્તાક્ષર કરવા માટે વિનંતી કરી છે. આજદિ સુધીમાં, SEBIએ અન્ય દેશોના મૂડી બજાર નિયામકો સાથે 27 દ્વિપક્ષીય MoU પર હસ્તાક્ષર કર્યા છે.
ફાઇનાન્સિયલ રેગ્યુલેટરી કમિશન (FRC)ની સ્થાપના 2006માં કરવામાં આવી છે, જે એક સંસદીય સત્તામંડળ છે અને તેમને બિન-બેંક ક્ષેત્ર પર દેખરેખ રાખવાની અને તેમનું નિયમન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે; આમાં વીમા અને સિક્યોરિટીઝ બજારો પણ સામેલ છે અને માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રના સહભાગીઓ પણ સામેલ છે. FRC સ્થિરતા અને મજબૂત આર્થિક બજારો પૂરા પાડવા માટે જવાબદાર છે. આ કમિશન બિન-બેંક નાણાંકીય સંસ્થાઓ, વીમા કંપનીઓ અને મધ્યસ્થીઓ, સિક્યોરિટીઝ પેઢીઓ અને બચત અને ક્રેડિટ સહકારી સંસ્થાઓ પર પોતાની સત્તાનો ઉપયોગ કરે છે. સાથે સાથે, તે વ્યક્તિગત નાણાકીય બજાર ગ્રાહકો (સિક્યોરિટી ધારકો, સ્થાનિક અને વિદેશી રોકાણકારો અને વીમા પોલિસી ધારકો)ના અધિકારો સુનિશ્ચિત કરે છે અને નાણાકીય ગેરરીતિઓ સામે રક્ષણ પણ આપે છે.