અમદાવાદઃ અમેરિકામાં સેટલ થઈને ડોલર કમાવવાની જિજ્ઞાશા વધતી જાય છે, તેમાં ય ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં તેમજ ખાસ કરીને ગાંધીનગરના કલોલ તાલુકાના લોકોમાં અમેરિકા જવાનો ક્રેઝ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં કલોલના ડિંગુચા ગામના એક પરિવાર બે બાળકો સહિત ચાર સભ્યોએ અમેરિકા જવાની લાલસામાં કેનેડામાં પ્રવેશ કરીને ગેરકાયદે બોર્ડર ક્રોસ કરવા જતા કડકડતી માઈનસ 35 ડિગ્રીમાં થીજી જતાં મોતને ભેટ્યા હતા. બીજા એક બનાવમાં કલોલમાં પતિ-પત્નીએ અમેરિકામાં ગેરકાયદે ઘૂંસવા માટે એજન્ટ સાથે રૂપિયા 1.10 કરોડનો સોદો કર્યો હતો. ત્યારબાદ રૂપિયાના મામલે બબાલ થતાં દિલ્હીના એજન્ટે કલોલમાં આવીને ફાયરિંગ કર્યુ હતું. આ બનાવમાં પોલીસે કની ધરપકડ કરી છે. જ્યારે બે શખસ નાસી જતાં તેને પકડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી અન્ય આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કલોલના મારૂતિ બંગલામા રહેતા વિષ્ણુ પટેલે પોતાના પરિવારના બે સભ્યોને અમેરિકા મોકલવાનુ કામ બ્રહ્મભટ્ટ દેવલ નામના એક એજન્ટને સોંપ્યુ હતું. એજન્ટ દ્વારા 72 કલાકમાં વિઝા લાવી આપવાની વાત કરી હતી. એજન્ટને 1 કરોડ 10 લાખ ચૂકવવાનું નક્કી થયુ હતું. જે માટે વાત થયા મુજબ બંને સદસ્યો અમદાવાદથી દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ બંને સદસ્યોને અમેરિકા પહોંચ્યા પહેલા એજન્ટ દ્વારા રૂપિયાની માંગણી કરાઈ હતી. એજન્ટે દિલ્હીથી ફોન કરીને પોતાના માણસને વિષ્ણુ પટેલના ઘરે મોકલ્યો હતો અને રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ શરત મુજબ નક્કી થયુ હતું કે, અમેરિકા પહોંચ્યા બાદ જ રૂપિયા આપવામાં આવશે. ત્યારે એજન્ટ સાથે આ મમલે ઝઘડો થયો હતો અને ફરિયાદીએ પોતાના ભત્રીજાને દિલ્હીથી પાછો બોલાવી લીધો હતો.
દરમિયાન એજન્ટે પોતાના ત્રણ માણસોને રૂપિયા લેવા વિષ્ણુભાઈના ઘરે મોકલ્યા હતા. ઘરમાં વિષ્ણુભાઈ, તેમના પત્ની, દીકરો અને દીકરી હાજર હતા. એજન્ટના માણસોએ તેમની પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ તેઓએ શરત મુજબ બાદમા રૂપિયા આપવાની વાત કરી હતી. એજન્ટના માણસે વિષ્ણુ પટેલના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતુ, પરંતુ તેઓ દૂર ખસી જતા મિસ ફાયરિંગ થયું હતું. આ ઘટના બાદ ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી. કલોલ પોલીસે ગુનો નોંધી એક આરોપી પકડી લીધો છે. જ્યારે કે, વિવિધ ટીમો બનાવી એજન્ટ સહિતના અન્ય આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.