ગાંધીનગરઃ કૃષિમંત્રી રાઘવજી પટેલે તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ કૃષિ સંશોધન કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે કૃષિ વિજ્ઞાનીઓ સમક્ષ ગુજરાતના ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નોનોની ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સાકાર કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ કૃષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અવનવા પ્રયોગો કરી રહી છે તેના કારણે ખેડૂતોને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત બિયારણ આપવા સમર્થ બનશે.
આ પ્રસંગે તેમણે શાકભાજી સંશોધન કેન્દ્ર ખાતે કરવામાં આવતા જુદાજુદા શાકભાજી પાકોના સંશોધન વિશે માહિતી મેળવી હતી. અહીં તેમણે દૂધી જેવા આકાર ના મોટા રીંગણા, તરબુચના વજન જેવા રીંગણા, ઈંડા જેવા દેખાતા રીંગણા અને ઘરના છોડમાં ઉગતા રીંગણા વગેરે જેવા સંશોધિત વિવિધતા ધરાવતી જાતોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં દ્રાક્ષની લૂમ ની જેમ રીંગણાની લૂમ બને તેવી મબલક ઉત્પાદન આપતી જાત વિક્સાવવાના અખતરાઓ લેવામાં આવી રહ્યા છે. અખતરા હેઠળના રીંગણાના છોડમાં ઝુમખા જેવા દેખાતા રીંગણાં આકર્ષણ ખેંચી રહ્યા હતા. આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ સંશોધન કેન્દ્રમાં રીંગણ, મરચી, ટામેટા, ચેરી ટામેટા, પાપડી, તુવેર, ડુંગળી, કોળું, દુધી જેવા શાકભાજી ઉપર પણ સંશોધન થાય છે. તેના જીવંત નમૂનાઓ, બિયારણના મોટા તેમજ કિચન-ગાર્ડન માટેના નાના પેકેટ તથા ખેડૂત ઉપયોગી માહિતી અહીં રજૂ કરવામાં આવી હતી.
મંત્રીએ યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે મગફળી, ડાંગર, અડદ, મગ, તુવેર, ઘઉ, રાઈ, કપાસ તેમજ ઘાસચારા પાકો જુવાર, રજકો, ઓટના બીજ ઉત્પાદન પ્લોટ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ ઉપરાંત યુનિવર્સિટી હસ્તકની ટીસ્યુ કલ્ચર લેબ ખાતે ચાલતા સંશોધન જેમાં ખારેક, કંકોળા,પરવર, દાડમ અને સાગના રોપાંને ટીસ્યુ કલ્ચરથી વાવેતર કરવાથી થતાં ફાયદાઓ વિશે મંત્રીએ ચર્ચા કરી હતી. આ લેબ ખાતે નારીયેળ અને ઓઈલ પામના પાકમાં ટીસ્યુ કલ્ચર પધ્ધતિ વિકસાવવા અંગેની વિગતો મેળવી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.બી. કથીરીયાએ જુદા-જુદા શાકભાજી પાકોની સંશોધિત જાતો વિકસાવવા તથા તેની ઉત્પાદન ગુણવત્તાની ચકાસણીથી વાવેતર સુધી કેટલો સમય લાગે ત્યાં સુધીની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલ, સંશોધન નિયામક, ડૉ. એમ.કે. ઝાલા તેમજ કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકો,ખેતીવાડી,બાગાયત અને અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.