Site icon Revoi.in

ખેતી અને પશુપાલનનો વ્યવસાય ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં મહત્વના પરિબળ છેઃ મુખ્યમંત્રી

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય પશુપાલન મંત્રી  પરષોત્તમ રૂપાલા અને ગુજરાતના પશુપાલન મંત્રી  રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વર્ષ 2023નો “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર” વિતરણ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન રાજ્ય કક્ષાના અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલકોને ઈનામ અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ભારત સરકાર પુરસ્કૃત ૨૫ મોબાઈલ વેટરનરી યુનિટ (ફરતા પશુ દવાખાના)નું લોકાર્પણ કરી તેને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીએ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળના 20 નવનિર્મિત ઉપકેન્દ્રોનું ઇ-લોકાર્પણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ભારતની વિકાસ પરંપરામાં પર્યાવરણ અને પશુધનનું આગવું મહત્વ રહ્યું છે. ભારતીય પરંપરામાં આર્થિક ક્ષેત્રે પણ પ્રકૃતિ અને પશુધનનો ખાસ વિચાર કરવામાં આવ્યો છે. આ જ કારણે વડાપ્રધાનએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને પશુપાલનને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને પ્રકૃતિ સાથે પ્રગતિના સમન્‍વયની દિશા દર્શાવી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ખેતી અને પશુપાલન બંન્ને એકબીજાના પૂરક વ્યવસાય અને ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં મહત્વના પરિબળ છે. વડાપ્રધાનએ રાસાયણિક ખાતરથી મુક્ત સ્વાસ્થ્ય-વર્ધક ખેતી માટે બેક ટુ બેઝિક્સનો મંત્ર આપી પ્રાકૃતિક ખેતી-ગાય આધારિત ખેતીની પ્રેરણા આપી છે. આ ગાય આધારિત ખેતી પણ પશુપાલન વ્યવસાયને નવું બળ આપનારી બની છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આપણી પાસે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપ છે, જે ભવિષ્યની સંભાવનાઓને જોઈ શકે અને એ પ્રમાણે આજના આયોજન કરી શકે. એનું ઉત્તમ ઉદાહરણ આપણને તાજેતરમાં જ મળ્યું. કચ્છના ધોરડો ગામ માટે કહેલું કે અહીં દેશ અને દુનિયાના લોકો સફેદ રણ જોવા આવશે. હમણાં જ વર્લ્ડ હેરિટેજ ઓર્ગનાઈઝેશને ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કર્યું છે. આ ધોરડોમાં જ જી-20ની બેઠક પણ યોજાઈ હતી. તેનાથી આખા વિશ્વને આ ગામની સુંદરતા માણવાની તક મળી હતી.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાને સો દુઃખોની એક દવા સમાન પ્રાકૃતિક ખેતીને મહત્વ આપ્યું છે. જમીનોમાં મોટા પ્રમાણમાં વપરાયેલા રાસાયણિક ખાતરને લીધે આજે નાની ઉંમરે લોકો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે, તે સૌના ઉપયોગરૂપ પ્રાકૃતિક ખેતી છે.

કેન્દ્રીય પશુપાલન મંત્રી  પરષોત્તમ રૂપાલાએ પશુપાલકોને પ્રોત્સાહન મળે તે પ્રકારના આ કાર્યક્રમના આયોજન બદલ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપતા જણાવ્યું કે, અબોલ પશુઓના સારવારની ચિંતા કરીને તૈયાર કરવામાં આવેલા ફરતા પશુ દવાખાના એટલે કે મોબાઈલ વેટરનરી યુનિટ સમગ્ર દેશમાં સૌ પહેલા ગુજરાતે શરૂ કર્યા હતા. એટલે કે આ ગુજરાત મોડલ ભારત સરકારે અપનાવ્યું છે.

રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર મેળવનાર પશુપાલકોને શુભેચ્છાઓ પાઠવતા પશુપાલન મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના પશુપાલન વ્યવસાય અને પશુપાલકોની મહેનતે રાજ્યમાં ડેરી ઉદ્યોગને જન્મ આપ્યો છે અને ગ્રામ્ય જીવનને સશક્ત બનાવ્યું છે. એમાં પણ પશુપાલન ક્ષેત્રે પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યુ છે. આજે રાજ્ય કક્ષાના 3 એવોર્ડ મેળવનાર પશુપાલકો પૈકી એક એવોર્ડ મહિલા પશુપાલકે મેળવેલ છે, જે પશુપાલન ક્ષેત્રે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.