ગુજરાતમાં ખાતરની કોઈ અછત નહીં હોવાનો કૃષિ પ્રધાન રાધવજી પટેલનો દાવો
અમદાવાદઃ ગુજરાતમાં ખાતરના ભાવમાં વધારાના પગલે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન ખાતર નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, રાજ્યના કૃષિ મંત્રીએ રાજ્યમાં ખાતરની કોઈ અછત નહીં હોવાનો દાવો કર્યો હતો. તેમજ ખાતર માટે કેન્દ્ર સરકાર પાસેથી યોગ્ય રાહત મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજ્યના કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, હાલ રવિ પાકમાં ખેડૂતોને ખાતર મળી રહે તેવા પ્રયાસો સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યાં છે. ખાતર માટે કેન્દ્ર સરકારે જરૂરિયાતની ડિમાન્ડ પુરી કરી છે. ગુજરાતની માંગણી મુજબનો જથ્થો કેન્દ્ર સરકાર દ્વારા પુડો પાડવામાં આવ્યો છે. ખાતરની અછત ઉભી ના થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યાં છે. તેમજ ખાતરના વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતને યુરિયા ખાતરની 13.50 લાખ ટનની માંગણી સામે 12.50 લાખ ટન જરૂરિયાત પૂર્ણ કરવામાં આવી છે. આવી જ રીતે ડીએપીના 3 લાખ ટન સામે 2.50 લાખ ટન મંજૂર થયું છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખેડૂતોને ખાતરનો જથ્થો મળી રહે તે માટે ખાતરી આપી છે.
આ ઉપરાંત રાધવજી પટેલે ડાંગ જિલ્લાને પશ્ચિમ રાજ્યોમાં પ્રકૃતિક ખેતી તરીકે જાહેર કરવામાં આવશે. ડાંગમાં ખેડૂતો રાસાયણ ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નથી. મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેક્ટ છે. આગામી દિવસોમાં રાજ્યના અન્ય જિલ્લામાં અમલ માટે નિર્ણય લેવામાં આવશે.