રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ચણાની ખરીદી શરૂ કરાવવામાં આવી હતી. આ વર્ષે ચણા, તુવેર, રાયડો અને ઘઉંના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ માટે 21થી 28 ફેબ્રુઆરી સુધી ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં કુલ 4.65 મેટ્રિક ટન ચણાની ખરીદી કરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ માટે 29 જિલ્લાના 3 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. આ પૈકી રાજકોટ જિલ્લામાં 76,157 ખેડૂતોએ ટેકાના ભાવે ચણાના વેચાણ માટે નોંધણી કરાવી છે. લઘુતમ ટેકાના ભાવે આજથી શરૂ કરવામાં આવેલી ખરીદી આગામી ત્રણ માસ સુધી ચાલશે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દ્રઢ નિશ્ચય છે કે, ખેડૂતોની આવક બમણી કરવી અને ખેડૂતો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલવા. દેશને વિકાસ અને સમૃદ્ધિની નવી રાહ તરફ આગળ લઈ જવામાં ખેડૂતોનો સહકાર પ્રથમ પગલું છે. કોરોનાની મહામારીમાં પણ દેશનું અર્થતંત્ર ધબકતું રહ્યું તેનું એકમાત્ર કારણ કૃષિ છે. ભારત કૃષિ અને ઋષિઓનો દેશ છે. ખેડૂતોની સમૃદ્ધિ અને સુખાકારી માટે અનેક યોજનાઓ સરકાર બનાવી રહી છે. હાલમાં જ ગુજરાત રાજ્યએ અનોખી પહેલ કરીને ખેડૂત ભાઈઓને સ્માર્ટ મોબાઈલ ફોન આપ્યા જેના થકી ગુજરાતના ખેડૂતો પણ હવે સ્માર્ટ ખેડૂતો બનીને તમામ વિગતો માત્ર આંગળીના ટેરવે મેળવી શકશે.