અમદાવાદઃ રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલે બિપરજોય વાવાઝોડા બાદ ખેતી,પશુપાલકો તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કચ્છમાં થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે આજરોજ અસરગ્રસ્ત તાલુકામાં ખેડૂતો તથા પશુપાલકોની મુલાકાત લીધી હતી.
ચક્રવાતના કારણે કચ્છમાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં અને મત્સ્ય ઉદ્યોગમાં નુકસાન ઉપરાંત પશુમૃત્યુ પણ નોંધાયા છે આ કુદરતી આફતના કારણે બાગાયતી પાક લેતા ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને થયેલા આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે મંત્રી રાઘવજીભાઈ પટેલે આજરોજ નખત્રાણા, માંડવી, મુન્દ્રા તથા અંજાર તાલુકામા બાગાયતી પાક લેતા ખેડૂતો તેમજ પશુપાલકોને મળ્યા હતા. મંત્રીએ ખેડૂતો તેમજ પશુપાલકો સાથે સીધો સંવાદ કરીને તેમને સરકાર દ્વારા યોગ્ય વળતર આપવાની ખાતરી સાથે નુકસાનગ્રસ્ત વધુમાં વધુ વૃક્ષો- છોડને પુનર્જીવત કરવા માટે પણ સરકાર પ્રયાસ કરશે એવું જણાવ્યું હતું. તેમજ કચ્છની ખેતી તેમજ પશુપાલકોને થયેલ નુકસાનીનો ચિતાર મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરીને ખેડૂતોને વધુમાં વધુ સહાય અપાય તેવા પ્રયાસો કરાશે તેવી ખાતરી આપી હતી.
આજરોજ મંત્રીએ પ્રથમ નખત્રાણા તાલુકાના વેરસલપર ગામના રવિલાલ તેમજ સુરેશભાઇ વાલાણીના વાડીની મુલાકાત લઈને આંબાના ઝાડને થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ આ પ્રસંગે મંત્રીએ બાગાયતી પાકોમાં થયેલા નુકસાનમાં પડી ગયેલા ઝાડોને ફરી થી સજીવન કરી શકાય એમ હોય તેવા કિસ્સામાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ખેડૂતોને થયેલી નુકસાનીનો યોગ્ય સર્વે કરીને પૂરતું વળતર આપવામાં આવશે એવી ખાતરી ઉચ્ચારી હતી. વેરસલપર ખાતે તાલુકાના ખેડૂતો સાથે મંત્રીએ સીધો સંવાદ કરીને આ કપરી પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની પડખે હોવાની હૈયાધારણા આપી હતી તથા ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રીના હસ્તે પશુમૃત્યુના કેસમાં પાંચ પશુપાલકોને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ ખેડૂતોને થયેલા નુકસાનનો ચિતાર આપ્યો હતો.
મંત્રીએ માંડવી તાલુકાના ગઢશીશાના વરઝડી વિસ્તારમાં વિશનજી પ્રેમજી ભગતની વાડીની મુલાકાત લઈને પડી ગયેલા આંબાના ઝાડને પુનર્જીવિત કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું . આણંદ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા આંબાના ઝાડને કઈ રીતે પુનઃ સજીવન કરી શકાય તે અંગેની પદ્ધતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું .