ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ચણા-રાયડા ખરીદ કેન્દ્રની કૃષિમંત્રીએ મુલાકાત લીધી, ખેડૂતોની સમસ્યા સાંભળી
અમદાવાદઃ રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ, મત્સ્ય ઉદ્યોગ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલતા ચણા તથા રાયડા ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખરીદ-વેંચાણ વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. મંત્રીએ ચણા તથા રાયડાની થયેલ આવક, થયેલ નોંધણી, ખેડૂતોને ચૂકવવામાં આવતી રકમ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી તેમજ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાઓ, કાર્યપદ્ધતિ અંગે ઉપસ્થિત ખેડૂત ભાઈઓ સાથે ચર્ચા કરી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ પોતાની જણસ વેચવા આવતા ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની કાળજી લેવા યાર્ડના પદાધિકારીઓને સૂચન કર્યું હતું.
દરમિયાન રાઘવજીભાઈ પટેલે માર્કેટિંગ યાર્ડ ધ્રોલ ખાતે જિલ્લાના ખેડૂતો સાથે બેઠક યોજી હતી. જ્યાં તેઓએ ખેડૂતોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી અને રજૂઆતોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રીએ આ પ્રસંગે કૃષિ, પશુપાલન, સહકાર તથા ગ્રામ વિકાસ વગેરે અંગે ખેડૂતો સાથે ચર્ચા પરામર્શ કર્યો હતો. અને ખેડૂતોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી જેમાં ખેડૂતોએ યાર્ડની જગ્યા સી.સી.કરવી, ધ્રોલ તાલુકાના ગામોમાં નર્મદા નિરથી તળાવો, ચેક ડેમો ભરવા, ઉંડ-૧ માં ઉપલા સેક્શનમાં આર.સી.સી. સ્ટ્રક્ચર કરવું, આજી-૩ ડેમ હેઠળની કેનાલો અંડર ગ્રાઉન્ડ કરવી, તથા પશુઓ માટે 1962 એમ્બ્યુલન્સની સુવિધા વધારવી વગેરે જેવા પ્રશ્નો સાંભળ્યા હતા અને તમામ પ્રશ્નો પરત્વે યોગ્ય અને ત્વરિત કાર્યવાહી હાથ ધરાશે, તેમ જણાવ્યું હતું.
મંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વરસાદ આધારિત ખેતી છે અને ચોમાસુ અનિશ્ચિત છે ત્યારે પાણીનું ટીપે ટીપુ બચાવવું એ આપણા સૌની જવાબદારી છે. સુજલામ સુફલામ યોજના, સૌની યોજના મારફત કચ્છ-ઓખા સુધી રાજ્ય સરકારે પાણી પહોંચાડ્યું છે. ચેકડેમો ભરાય, પીવાના પાણીની સુવિધા ઉભી થાય તે માટે સરકાર સતત ચિંતિત છે. ખેડૂતોને જણસના પૂરતા ભાવ મળે અને પાકની પારદર્શક ખરીદી થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે એમ જણાવી કૃષિ મંત્રીએ વિવિધ કૃષિલક્ષી યોજનાઓની ઉપસ્થિત સર્વે ખેડૂત ભાઈઓને જાણકારી આપી હતી.