નવી દિલ્હીઃ વિવિધ રાજ્યોમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જે પૂર્વે આ રાજ્યોમાં વિવિધ યોજના અને ફ્રીમાં આપવાની જાહેરાતો થઈ રહી છે. દરમિયાન આ રેવડી કલ્ચર મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. જેની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારને નોટીસ પાઠવી છે. તેમજ ચાર અઠવાડિયામાં જવાબ રજુ કરવા માટે નિર્દેશ કર્યો હોવાનું જાણવા મળે છે.
કેસની હકીકત અનુસાર વિધાનસભા ચૂંટણી પહેલા, રાજ્યોમાં મફત વસ્તુઓની વહેંચણીનો આરોપ લગાવતી PIL દાખલ કરવામાં આવી હતી. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણીલક્ષી લાભો સાથેની આવી મફત યોજનાઓથી લોકો પર બોજ વધે છે. અરજી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા મફત વસ્તુઓનું વિતરણ કરવાના વચનો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે શુક્રવારે અરજી પર સુનાવણી કરતા કડક વલણ અપનાવ્યું હતું. તેમજ કોર્ટે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પણ નોટિસ પાઠવી હતી અને જવાબ રજુ કરવા માટે નિર્દેશ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા મતદારોને મફત સુવિધાના વિતરણનો આક્ષેપ કરતી આ અરજી ભટ્ટુલાલ જૈન દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે સુનાવણી દરમિયાન કહ્યું કે, ‘ચૂંટણી પહેલા સરકાર દ્વારા વિવિધ લાભોની વહેંચણી કરતાં વધુ ક્રૂર કંઈ હોઈ શકે નહીં. આવું દરેક વખતે થતું હોય છે અને તેનો બોજ આખરે કરદાતાઓ પર જ પડે છે. અરજીની સુનાવણી કર્યા પછી, બેન્ચે આદેશ આપ્યો કે, ભટ્ટુલાલ જૈનની અરજીને આ મુદ્દા પર પડતર અન્ય અરજીઓ સાથે ટેગ કરવામાં આવે.