ગાંધીનગરઃ ગુજરાતમાં જિલ્લા પંચાયતોના પ્રમુખોના માનદ વેતનમાં વધારો કરવાની માગ તો છેલ્લા ઘણા મહિનાઓથી ચાવલી રહી છે. મોટા ભાગની જિલ્લા પંચાતયોમાં ભાજપનું શાસન છે. અને હવે નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે જિલ્લા પ્રમુખોએ જમીનોની એનએની પુનઃ સત્તા આપવા અને માનદ વેતનમાં વદારો કરવાની માગ કરી છે. જોકે સરકાર દ્વારા હવે જિલ્લા પંચાયતોને એનએની સત્તા ફરી આપવામાં આવશે નહીં પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખોના માનદ વેતનમાં તોતિંગ વધારો કરી અપાશે.
સૂત્રોના જમાવ્યા મુજબ મુખ્યમંત્રી નિવાસ સ્થાને તાજેતરમાં તમામ જિલ્લા પંચાયતના પ્રમુખોનું એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખોએ મુખ્યમંત્રી સમક્ષ મહેનતાણું વધારવાની માગ કરી હતી. જેના પગલે રાજ્ય સરકારે જિલ્લા પંચાયતના પ્રમુખોનું માસિક મહેનાતણું રૂ. 3300થી વધારીને રૂ. 15 હજાર એટલે કે, લગભગ 455 ટકાનો માસિક વધારો, જ્યારે ભથ્થામાં પણ વાર્ષિક 73 ટકાનો વધારો કરવાની વિચારણા હાથ ધરી છે. વેતન વધારાની ફાઈલ તૈયાર કરી દેવામાં આવી છે. હાલ 33 જિલ્લા પંચાયતના પ્રમુખોને દર મહિને રૂ. 3300 મહેનતાણું અને ભથ્થા પેટે વાર્ષિક રૂ.80 હજાર મળે છે. જેમાં તોતિગ વધારો કરાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં વિવિધ એજન્ડાની વાતચીત થઇ હતી. આ પૈકી જિલ્લા પંચાયતના પ્રમુખોના પગારનો પણ એક એજન્ડા હતો. ઉપરાંત ગ્રામ પંચાયતોમાં વેરો રૂ. 400 છે તે વધારીને ગ્રામ પંચાયતને આત્મ નિર્ભર બનાવવી જોઇએ તેવી પણ પંચાયત પ્રમુખોએ માગ કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખોનો રૂ.3300 માસિક પગાર ઘણો ઓછો કહેવાય તે બાબતે મુખ્યમંત્રીએ પણ સહમત થયા હતા અને તેમણે યોગ્ય કરવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ ખાતરી આપ્યા પછી આ બાબતે પંચાયત વિભાગે જિલ્લા પંચાયતના પ્રમુખનો પગાર રૂ. 15 હજાર કરવાની દરખાસ્ત કરી છે. જેને આખરી મંજૂરી આપવા માટે મુખ્યમંત્રી કાર્યાલયમાં મોકલવામાં આવી છે. એટલે કે ફાઈનલ મંજૂરી મળ્યા બાદ પંચાયત પ્રમુખના માસિક પગારમાં પણ 455 ટકાનો વધારો આવી શકે છે. ભથ્થા પેટે રૂ. 80 હજાર મળે છે તેમાં પણ 73 ટકાના વધારા સાથે 1.38 લાખ મળશે. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પ્રમુખોની વેતન વધારો આપીને રાજી કરી દેવાશે.