અમદાવાદમાં લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર મતદાન યોજાવાનું છે તે પૂર્વે જ અમદાવાદની આઠેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતી. દિલ્હી-એનસીઆરની લગભગ 100થી વધારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની તાજેતરમાં ધમકી મળી હતી. દરમિયાન હવે અમદાવાદ શહેરમાં મતદાન પૂર્વે આઠેક સ્કૂલોને ધમકી ભર્યો ઈ-મેલ મળતા પોલીસ તંત્ર વધારે સાબદુ બન્યું હતું. તેમજ ધમકીને પગલે આઠ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. રશિયન સર્વર મારફતે ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરની જે આઠ સ્કૂલોને ધમકી મળી છે તેમાંથી મોટા ભાગની શાળા શહેરની જાણીતી સ્કૂલોમાં સામેલ છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલય, વસ્ત્રાપુરમાં આવેલી એશિયા સ્કૂલ, ઘાટલોડિયામાં આવેલી અમૃતા વિદ્યાલય, ઘાયલોડિયાની કાલોરેક્સ સ્કૂલ, સેટેલાઈટની આનંદ નિકેતન, શાહીબાદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલય અને બોપલની ડીપીએસ સ્કૂલને ધમકી મળી હોવાનું જાણવા મળે છે. ઈમેલ મારફતે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પોલીસે ગંભીરતાથી લીધી હતી. જેથી પોલીસ દ્વારા સ્કૂલોમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ કરી હતી. પોલીસની તપાસમાં સ્કૂલોમાંથી કંઈ પણ શંકાસ્પદ વસ્તુ નહીં મળી આવતા પોલીસ અને સ્કૂલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે ઈમેલ ક્યાંથી આવ્યો હતો અને કોણે મોકલ્યો હતો તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ધમકીને પગલે પોલીસ બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો છે.
આવતીકાલે મંગળવારે ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન યોજાશે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો મતદાન કરશે. તે પૂર્વે જ ધમકી ભર્યો મેલ મળતા મતદાન મથકો ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.