અમદાવાદઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં નવરાત્રીની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખેલૈયાઓએ ખરીદી પણ શરૂ કરી દીધી છે. આ વખતે બજારોમાં મોંઘવારીનો માર ચણિયાચોળી સહિત અનેક ચીજવસ્તુઓ પર દેખાઈ રહ્યો છે. કપડા અને ઓર્નામેન્ટ્સથી લઈને દરેક ચીજવસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતા બજારોમાં લોકો ભારે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.
અમદાવાદ, સુરત રાજકોટ સહિત મહાનગરોમાં નવરાત્રીની આગોતરી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્રણ વર્ષ બાદ લોકો ધામધૂમથી નવરાત્રિ ઉજવાશે, જેને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં બજારોમાં લોકો હોંશે હોંશે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ગરબાના કોઈ મોટા આયોજનો થઈ શક્યા ન હતા. ત્યારે આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો ગુજરાતીઓની પ્રિય એવી નવરાત્રિ દરમિયાન કોઈ કસર બાકી રાખવા માગતા નથી. જો કે આ વખતે બજારોમાં મોંઘવારીનો માર ચણિયાચોળી સહિત અનેક ચીજવસ્તુઓ પર દેખાઈ રહ્યો છે. કપડા અને ઓર્નામેન્ટ્સથી લઈને દરેક ચીજવસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતા બજારોમાં ભારે ખરીદી નીકળી છે.
શહેરના ટેક્સ્ટાઈલ માર્કેટમાં પણ હાલ તેજી જોવા મળી રહી છે. જેને કારણે વેપારીઓને નવરાત્રિમાં સારો વેપાર મળવાની આશા છે. અમદાવાદનું પ્રખ્યાત ચણિયાચોળી બજાર એવા લો ગાર્ડનમાં ચણિયાચોળી, કેડિયા, પાઘડી, ગૂંથણ કામ કરેલા વસ્ત્રોનું સારુ એવુ વેચાણ થઈ રહ્યુ છે. આ વર્ષે લો ગાર્ડન ખાતે બજારમાં બે હજાર સુધીની વિવિધ ચણિયાચોળી જોવા મળી રહી છે. જેમા ભરત ગૂંથણની સાથે અવનવી ડિઝાઈન અને કેડિયાની ખૂબ માગ છે. આ વર્ષે ચણિયાચોળી સહિત તમામ વસ્તુઓના ભાવમાં વધારો થયો હોવાનુ ગ્રાહકો કહી રહ્યા છે. ખેલૈયાઓ અવનવી ડિઝાઈનના કપડાની ખરીદી કરી રહ્યા છે. જો કે ભાવ વધારો તો છે જ પણ સાથોસાથ છેલ્લા 2 વર્ષથી કોરોના સંક્રમણને કારણે જે પ્રતિબંઘો લાગેલા હતા અને જાહેર ગરબા પર રોક લગાવવાની સાથે સાથે શેરી ગરબામાં પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. હવે આ વર્ષ પરિસ્થિતિમાં ફેરફાર થતા લોકો ખુશ છે અને કોઈ પણ ભોગે નવરાત્રિ ઉજવવા તેયાર છે. ત્યારે આ તમામ પરિસ્થિતિ વચ્ચે જ્યારે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં પણ તહેવારોને લઈ રોનક દેખાઈ રહી છે.