Site icon Revoi.in

અમદાવાદમાં નવરાત્રીના આગમન પહેલા જ ગુલાબ, જાસ્મીન સહિત ફુલોના ભાવમાં તેજી

Social Share

અમદાવાદ: ગુજરાતના અમદાવાદ સહિતના શહેરોમાં વાર-તહેવારે ફૂલોની માગમાં વધારો થતો હોય છે. અમદાવાદનું સૌથી મોટું ફૂલ બજાર જમાલપુરમાં છે. જ્યા ફૂલોની મોટા પ્રમાણમાં ખરીદી થાય છે. શહેરીજનો લગ્નો કે કોઈ સમારોહ માટે વધુ ફુલો લેવા હોય ત્યારે જમાલપુર ફુલ માર્કેટ આવતા હોય છે. નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુલાબ, જસ્મીન સહિત વિવિધ ફુલોની માગમાં વધારો થયો છે. ફૂલોનો રાજા ગુલાબની માંગ સૌથી વધુ જોવા મળી રહી છે.

અમદાવાદમાં જમાલપુરના ફૂલ બજારમાં બુધવારે ગુલાબના ભાવમાં તેજી જોવા મળી હતી. સાથે ફૂલોની ખરીદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. જમાલપુરની ફુલ માર્કેટમાં અમદાવાદના ધોળકા સહિત આસપાસના વિસ્તારોમાંથી ઉપરાંત પરપ્રાંતમાંથી પણ ફૂલોની આવક થતી હોય છે. જેમાં મહારાષ્ટ્રમાં ગુલાબનું ઉત્પાદન સારું હોવાથી ગુલાબના ફુલોની સારીએવી આવક થઈ રહી છે. જમાલપુર ફૂલ બજારમાં બુધવારે ફૂલોનો કિલોદીઠ ભાવ જોઈએ તો ગુલાબ 90 થી 130 રૂપિયા, ટગર 80 થી 100 રૂપિયા, ડમરો 10 થી 15 રૂપિયા, હજારીગલ 25 થી 30 રૂપિયા, કાર્નેશન 180 રૂપિયા, જાસ્મીન 200 રૂપિયા, મેરીગોલ્ડ 60 રૂપિયા, ઓર્કિડ 170 રૂપિયા નોંધાયો હતો. જ્યારે લીલીની એક ઝુડી 6 થી 8 રૂપિયામાં મળી રહી હતી. ફૂલના નંગ મુજબ ભાવ જોઈએ તો ગુલાબનો એક નંગનો ભાવ 25 રૂપિયા હતો. જે સામાન્ય દિવસમાં 15 થી 20 રૂપિયા જેટલો હોય છે. ગુલાબ સિવાય અન્ય ફૂલોમાં સૂર્યમુખી 10 રૂપિયા, લીલી 15 રૂપિયા, સફેદ ગુલાબ 20 રૂપિયા નોંધાયો હતો.

જમાલપુરના ફૂલ બજારના ગુલાબના એક વેપારીના કહેવા મુજબ શહેરમાં વાર, તહેવાર અને તિથિમાં સૌથી વધુ ફૂલોની જરૂર પડે છે. જેમાં હાલ ગુલાબની વધુ માંગ છે. સાથે ગુલાબમાં પણ અનેક વેરાયટી અને રંગમાં જોવા મળે છે. લાલ ગુલાબમાં પણ બિગ બી, ગ્રેન્ડ ગાલા, ટોપ સીક્રેટ, બોરડો, અપર ક્લાસ છે. જ્યારે ગુલાબી ગુલાબમાં એક્વા, પોઇઝન, શકીરા તથા સફેદ ગુલાબમાં અવલાંચે, પીળા ગુલાબમાં ગોલ્ડ સ્ટ્રાઇક, કેસરી ગુલાબમાં નારંગા અને વિદેશી ગુલાબમાં ટ્રોપિકલ એમેઝોન, આફ્રિકન ડોન પ્રખ્યાત છે.

ફૂલના ભાવ વિશે જણાવ્યું હતું કે, ફૂલોની ખેતી પર હવામાનની સીધી અસર પડે છે. ઘણા પાકને વધુ પડતી ગરમી કે કમોસમી વરસાદ માફક આવતો નથી. સાથે જે તે ફૂલોની માગ અને પ્રોડક્શન મુજબ ફૂલોના ભાવમાં વધારો-ઘટાડો નોંધાતો હોય છે.