અમદાવાદઃ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે વૈશાખી વાયરા જેવા ગરમ પવન ફૂંકાતા ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોના તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. લોકો ઉનાળા જેવી અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. એકાએક ગરમીના આગમનથી લોકો એસી અને પંખાનો સહારો લઈ રહ્યા છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી ચાર દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી વધઘટ નોંધાશે. તેમજ માર્ચમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે. અને એપ્રિલમાં હીટવેવનું મોજું ફરી વળે તેવી શક્યતા છે. હાલ રાજ્યભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી – ગરમી મિશ્રિત વાતાવરણ અનુભવાય રહ્યું છે. રાજકોટમાં 39 ડિગ્રીએ તાપમાન પહોંચતા બપોરે ઉનાળા જેવો અનુભવ થયો હતો
મહા શિવરાત્રિ પૂર્વે જ રાજ્યભરમાં સૌથી ગરમ બનેલા ભુજમાં અધિકત્તમ ઉષ્ણતામાન 40.3 ડિગ્રીએ પહોંચતાં ફેબ્રુઆરી માસની દ્રષ્ટિએ છેલ્લા 11 વર્ષમાં અનુભવાયેલી ગરમીનો વિક્રમ તૂટ્યો હતો. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 10 ડિગ્રી જેટલું વધુ રહ્યું હતું. બીજી તરફ લઘુતમ પારો 17.7 ડિગ્રી રહેતાં ઠંડી અને ગરમી સાથે ભારે વિષમતા જણાઇ હતી. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે 71 ટકા અને દિવસના 32 ટકા હતું. આ વખતે રાજકોટમાં ઉનાળામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. પવનની દિશા નોર્થ ઈસ્ટની થતા તાપમાનમાં વધારો થયો છે. ગરમી વધતા પાણીના વપરાશ, દૂધ- શાકભાજીની આવક પર તેની અસર જોવા મળી રહી છે. ગરમી વધવાને કારણે યાર્ડમાં લીલા શાકભાજીની આવક ઘટી છે, તો ભાવમાં પણ વધારો થયો છે.
રાજ્યમાં મિશ્ર ઋતુને કારણે શરદી- ઉધરસ,તાવના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.. દિવસ અને રાત્રિના તાપમાનમાં 10 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. જોકે રાત્રિના સમયે પવનની ઝડપ 5.4 કિમી રહી હતી. આમ, દિવસની સરખામણીએ રાત્રે પવનની ઝડપ ઘટી ગઈ હતી.
હવામાન ખાતાના જણાવ્યાનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ચોખ્ખું વાતાવરણ રહેશે. ત્યારબાદના દિવસમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. માર્ચ માસમાં મહત્તમ તાપમાન ઊંચું જાશે. સામાન્ય રીતે 39.3 ડિગ્રી તાપમાન માર્ચમાં નોંધાતું હોય છે જેના બદલે અત્યારે ફેબ્રુઆરીમાં જ નોંધાયું છે. જેને કારણે ઉનાળો સત્તાવાર રીતે શરૂ થાય તે પહેલાં જ 39 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતા લોકો ત્રસ્ત થયા હતા. વધુમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ અત્યારે સવારે ગરમીમાં રાહત મળે છે. પરંતુ આગામી દિવસોમાં તે બંધ થઈ જશે. સવારે પણ લઘુતમ તાપમાન ઊંચું રહેશે. (file photo)