ભૂજઃ ગુજરાતના જાણીતા પર્યટક સ્થળ કચ્છના ઘોરડો ખાતે આવતા મહિને યાને ફેબ્રુઆરી મહિનામાં આંતરાષ્ટ્રીય G-20 સમીટ યોજાશે. ગત ડિસેમ્બર મહિનાથી એક વર્ષ માટે ભારતને G-20નું અધ્યક્ષપદ મળ્યું છે, ત્યારે આ મહત્વની આંતરાષ્ટ્રીય સમિટમાં પ્રવાસન મુદ્દે ચર્ચા માટે સફેદ રણની પસંદગી કરવામાં આવી છે. દેશ વિદેશના વી.વીઆઇપી જ્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવવાના છે, ત્યારે સુરક્ષા એજન્સીએ પંદર દિવસ અગાઉ જ સફેદ રણ આસપાસ રીસોર્ટ્સ અને અન્ય સંલગ્ન લોકોના ડેટા એકઠા કર્યા છે. G-20 સમિટમાં ભાગ લેનારા ડેલિગેટ્સ ન માત્ર રાજ્યના સ્ટેટ ગેસ્ટ છે, દેશના નેશનલ ગેસ્ટ છે. માટે તેમની સુરક્ષા માટે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ અહી સબ સલામત રિપોર્ટ આપવો પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના ઘોરડો ખાતે આગામી ફેબ્રુઆરી મહિનામાં G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે મહાનુભાવોની સુરક્ષા માટે એજન્સીઓએ ઘોરડો તેમજ તેના આજુબાજુના વિસ્તારોનું નિરિક્ષણ કર્યું હતું. ઘોરડોની આજુબાજુની હોટલો અને રિસોર્ટની માહિતી મેળવી હતી.
ભારતને જી-20નું યજમાન મળ્યું છે. યજમાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસન હેતુથી ચર્ચા સેમિનાર માટે કચ્છના સફેદ રણ પર કળશ ઢોળ્યો છે. તારીખ હજી નક્કી નથી થઈ, પરંતુ આગોતરી તૈયારી ગત મહિનાથી જ શરૂ થઈ ગઈ છે. વીસ દેશમાંથી પ્રતિનિધિ મંડળ આવશે એટલે તેના સિવાય પણ મોટો સ્ટાફ આવશે. જેને લઇને ઘોરડોના ટેન્ટ સીટી અને તેની આસપાસના છેક હોડકો સુધીના રીસોર્ટ્સમાં કામ કરતા દરેકની વિગત મેળવી છે. તો બીજી તરફ વોચ ટાવર મરમ્મતનું કામ પણ હાથ ઘરાયું છે. ભુજ-ભિરંડીયારા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ મરામત કરવામાં આવી રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કચ્છના સફેદ રણ ખાતે વિદેશ મંત્રાલય દ્વારા રચાયેલી સેક્રેટરીયેટ ટીમના સાત સભ્યોએ પણ ગત મહિને સ્થળની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. વૈશ્વિક અર્થતંત્રને સ્થિર કરવા અને ભારત એક ‘મુખ્ય પ્રવાસન સ્થળ’ મુદ્દે ચર્ચા માટે ભારત ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, ટર્કી, યુકે તેમજ યુરોપિયન યુનિયન સહિત 20 દેશો જોડાયા છે. દર વર્ષે અલગ અલગ દેશોને આ સમીટની અધ્યક્ષતા પ્રાપ્ત થાય છે. ત્યારે ડિસેમ્બરથી ભારતને આ સમીટની અધ્યક્ષતા મળી છે.