અમદાવાદઃ ગુજરાતમાં વધતી જતી મોંઘવારીની સાથે જ નાગરિકો પર કરવેરાનું ભારણ પણ વધતું જાય છે. રાજ્યના અમદાવાદ સહિત ચાક શહેરોના નાગરિકો પર પ્રોપર્ટી ટેક્સ ધરખમ વધારો કરાયા બાદ ગુજરાત સરકારની માલિકીની વીજ કંપનીઓએ વીજબિલમાં પ્રતિ યુનિટે 20 પૈસાનો વધારો ઝીંક્યો છે. તેના લીધે 1.40 કરોડ વીજ ગ્રાહકો પર ભારણ વધશે, એટલે કે, ગ્રાહકોના માસિક બિલમાં 50થી 100 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓ દ્વારા વીજ પુરવઠાના દરમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો કરવામા આવ્યો છે. આ ભાવ વધારો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2023 ના આવનારા વીજ બિલમાં ઝીંકવામાં આવશે. હજી ચાર મહિમના પહેલા જ વીજ કંપનીઓએ 25 પૈસા વધાર્યા હતા. ત્યારે એફપીપીએ ચાર્જ રપિયા 3.29 થી વધારીને 3.49 કરાયો છે. વીજ કંપનીઓએ જે વધારો ઝીંક્યો છે તે મુજબ હવે ગ્રાહકોને વધુ રૂપિયા ચૂકવવા પડશે. ઉદાહરણ તરીકે, નાના વીજવપરાશકારોએ મહિને 60 રૂપિયા વધુ ચૂકવવા પડશે. મહિના 400 યુનિટ વાપરનારા ગ્રાહકોને 120 રૂપિયા વધૂ ચૂકવવા પડશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ સક્રિય ચાર વીજ વિતરણ કંપનીઓ મારફતે વીજ સપ્લાય આપવા માટે ઈન્ડિયન એનર્જિ એક્સચેન્જ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવાનું ચાલુ રાખવામા આવ્યુ હોવાથી વીજ બિલમાં વધારો કરવાની જરૂર પડી છે. ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ વ્યવસ્થા હેઠળ પાવર પેદા કરવા માટે વપરાતા ઈંધણના ખર્ચમાં થતા વધારા ઉપરાંત જોઈતી વીજળી સપ્લાય મેળવવા માટે ખાનગી કંપનીઓ પાસેથી ખરીદવી પડતી વીજળીના ભાવનો સરેરાશ કરીને એફપીપીએની ફોર્મ્યુલા પ્રમાણે વીજળીના દર નક્કી કરવામા આવે છે.