વાયનાડમાં મતદાન પહેલા માઓવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવા લોકોને સૂચન કર્યું
બેંગ્લોરઃ લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન બાદ હવે 26મી એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. કેરળના વાયનાડમાં હથિયારો સાથે ચાર શંકાસ્પદ માઓવાદીઓએ લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવા ધમકી આપ્વાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના થલપ્પુઝા પોલીસ સ્ટેશનના અંતરિયાળ વિસ્તારમાં બની છે. સમગ્ર ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને શંકાસ્પદ માઓવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં માઓવાદીઓની જાણ થતા પોલીસ કર્મચારીઓની ટીમ તાત્કાલિક સ્થલ પર દોડાવવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર માઓવાદીઓ વહેલી સવારે આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યાં હતા. તેમણે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર માઓવાદીઓ પોતાની યુનિફોર્મમાં આવ્યા હતા અને તેમના હાથમાં બંદુક પણ હતી. તેઓ લગભગ 20 મિનિટ સુધી આ વિસ્તારમાં રોકાયાં હતા. જો કે, બાદમાં માઓવાદીઓનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તેઓ સ્થાનિકો સાથે વાતચીત કરતા જોવા મળ્યાં હતા. માઓવાદીઓ જ્યારે પહોંચ્યાં ત્યારે તેઓ અહીં હાજર લોકોમાં મોટી સંખ્યામાં મજુરો હતા.
કેરળના વાયનાડમાં શંકાસ્પદ માઓવાદીઓની ઉપસ્થિતિને લઈને સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ બીજા તબક્કામાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં ચૂંટણીપંચ દ્વારા કામગીરી કરવામાં આવી છે. તેમજ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે.