- અમદાવાદનો 612મો જન્મ દિવસ
- આજે ભારતનું સાતમું સૌથી મોટું શહેર
- હેરિટેજ સિટીનો મળ્યો દરજ્જો
અમદાવાદ: ગુજરાતનું ઈકોનોમિક હબ કહેવાતું શહેર અને ભારત દેશનું સૌથી મોટુ સાતમાં નંબરનું શહેર એટલે અમદાવાદનો આજે 612મો જન્મ દિવસ છે. આ શહેરની સ્થાપના બાદશાહ અહેમદ શાહે કરી હતી પણ આ પહેલા આ શહેરને 11મી સદી આસપાસ અમદાવાદ આશાવલ અથવા આશાપલ્લી તરીકે ઓળખાતું હતું. અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક, આર્થિક રીતે સૌથી મહત્વનું શહેર છે.
જાણકારોના કહેવા અનુસાર આ શહેરની પોતાની એક આગવી લાક્ષણિકતા છે. ઇતિહાસમાં ત્યાગ બલિદાન અને યશોગાથાની વાર્તા પણ અમદાવાદ શહેર સાથે જોડાયેલી છે. સ્વમાન, સાથ, સાહસ અને સહકાર એ અમદાવાદના DNAમાં છે. સહઅસ્તિત્વની ભાવના પણ અમદાવાદીઓમાં જોવા મળે છે.
આજે અમદાવાદે આખા વિશ્વમાં પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરીને વિશ્વમાં એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. અમદાવાદની પોળો પણ ખાસ સ્થાન ધરાવે છે. એટલું જ નહીં અમદાવાદના 3 દરવાજા, કોટ વિસ્તાર, ભદ્રનો કિલ્લો, નગરની દેવી આ બધા જ સ્થળો અમદાવાદને એક અલગ ઓળખ આપે છે.
અમદાવાદનું કલ્ચર એટલું અનેરું છે કે આખા ભારત દેશમાંથી વિવિધ લોકો આવીને અમદાવાદમાં વસે છે અને પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. વિવિધતામાં એકતા અને ભાતીગળ સંસ્કૃતિ અમદાવાદમાં જોવા મળે છે. સમયની સાથે-સાથે અમદાવાદ પણ વિકસતું ગયું અને તેમાં અનેક આધુનિકતાના નવા રંગો ઉમેરાતા ગયા. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક મહાન લોકોની કર્મ ભૂમિ અમદાવાદ બની છે. ગાંધીજીનો સત્યાગ્રહ હોય કે પછી દાંડીકૂચ હોય સૌ કોઇનું સાક્ષી અમદાવાદ શહેર બન્યું છે.