અમદાવાદઃ શહેરના મધ્યમમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપરાંત રાજ્યની 25 નદીઓ પૈકી 13 નદીઓ પ્રદુષિત હોવાનું નેશનલ વોટર મોનિટરિંગ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે. આ 13 નદીઓ પૈકી છ નદીઓ અતિ પ્રદુષિત હોવાનું જાણવા મળે છે. આ મામલે કોંગ્રેસે રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે.
કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લોકસભામાં પર્યાવરણને લઈને ચર્ચા થઈ હતી. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા નેશનલ વોટર મોનીટરિંગ પ્રોગ્રામ હેઠળ સમગ્ર દેશની 603 નદીઓના પાણીની ગુણવતાને ચેક કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. રાજ્યની 25 નદીઓ પૈકી 13 નદીઓ પ્રદુષિત જાહેર થઈ છે. એટલું જ નહીં તેમાંથી છ નદીઓ અતિપ્રદુષિત છે. આ નદીઓ એટલી પ્રદુષિત છે કે તેનું પાણી પીવા તો ઠીક પણ વપરાશ લાયક પણ નથી. રાજ્યની સૌથી પ્રદુષિત નદી સાબરમતી નદી છે. દેશની સૌથી પ્રદુષિત નદીઓમાં બીજા નંબર ઉપર સાબરમતી નદી છે. સાબરમતી નદીના પાણીના શુદ્ધીકરણ માટે ભાજપ સરકાર દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ તમામ દાવાઓ પોકળ સાબિત થયાં છે. સાબરમતી નદીમાં પ્રતિ લીટર 292 એમજીનું પ્રદુષણ જોવા મળ્યું છે.
સાબરમતી નદીના સફાઈ માટે દર વર્ષે કરોડોનો ધુમાડો કરવામાં આવે છે. બીજી તરફ સરકારી અધિકારીઓની રહેમનજર હેઠળ કેટલીક કંપનીઓ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડે છે. જેથી નદી વધારે પ્રદુષિત થઈ રહી છે. એટલું જ નહીં સાબરમતી નદીમાં પ્રદુષણ મામલે અગાઉ પણ રાજયની વડી અદાલતે તંત્રને ઠપકો આપ્યો હતો