Site icon Revoi.in

અમદાવાદઃ વાસણા બેરેજના 26 દરવાજા ખોલીને પાણી છોડાયું

Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીકાંઠાના ગામોને સાબદા કરાયાં છે. દરમિયાન અમદાવાદમાં વાસણા બેરેજના 26 દરવાજા ખોલવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાસણા બેરેજના 26 દરવાજા ખોલાયા છે.  સાબરમતી નદીમાં જળ સપાટી વધવાની સંભાવનાને પગલે અમદાવાદના નદી કાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના સાત ગામોના નાગરિકોને નદી કિનારે નહીં જવાની સૂચના અપાઈ છે.

અમદાવાદ શહેરના નદીકાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના આંબલિયારા, ચંડીસર, જલાલપુર વજીફા, ખત્રીપુર, રાજપુર, સરોડા તથા સાથલ તેમજ ખેડા જિલ્લાના માતર તાલુકાના રસીકપુર, વારસંગ તથા ખેડા તાલુકાના નાની કલોલી, મોટી કલોલી, રઢુ, પથાપુરા, કઠવાડા અને આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા જેવા ગામોને અસર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા અમદાવાદ રિવરફ્રન્ટ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સંત સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે.