Site icon Revoi.in

અમદાવાદઃ 15થી 18 વર્ષના 4 લાખ વિદ્યાર્થીઓને શાળા-કોલેજના સંકુલમાં રસી અપાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. આગામી તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને પણ કોરોના રસી આપીને તેમને કોરોના સામે સલામત કરવામાં આવશે. 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાની કામગીરીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કોર્પોરેશનની ટીમો 15થી 18 વર્ષના 4 લાખ જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ-કોલેજમાં જઈને કોરોનાની રસી આપશે. આ ઉપરાંત 5 લાખ જેટલા હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પણ બુસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોર્પોરેશન દ્વારા 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવા માટે યાદી તૈયાર કરી છે. તેમજ તા. 3 જાન્યુઆરીથી કિશોરેને પણ રસી આપવાની કામગીરી કરવામાં આવશે. જે માટે મનપા દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પણ તા. 10મી જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ આપવાની કામગીરી માટે પણ તૈયારીઓ શરૂ કરી લેવામાં આવી છે.  શહેરમાં 2 લાખ હેલ્થ વર્કરો અને 3 લાખ ફ્રન્ટલાઈન વર્કરોને 150થી વધુ અર્બન હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર બુસ્ટર ડોઝ આપવામાં આવશે. આમ કોર્પોરેશન દ્વારા 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિન અને આરોગ્ય કર્મચારીઓને બુસ્ટર આપવાની કામગીરીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.