રાજયભરમાં ગરમીનો પારો ઉંચે જઈ રહ્યોં છે અને હીટવેવના કારણે ઈમરજન્સી કેસમાં વધારો થઈ રહ્યોં છે. રાજ્યમાં હીટવેવને કારણે લોકો ત્રાસી ચૂક્યા છે. હીટવેવને કારણે હીટસ્ટ્રોકના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં રોજના હજ્જારો દર્દીઓ સારવાર માટે આવે છે અને તેનાથી વધુ તેમના પરિવારજનોની અવરજવર હોય છે. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ ગરમીથી અસરગ્રસ્ત 100 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 47 લોકોને શંકાસ્પદ હીટસ્ટ્રોક લાગ્યો હતો. 47માંથી બે લોકોનાં 12 કલાકના અંતરમાં જ મૃત્યુ થઈ ગયાં હતાં. આજે વધુ બે બાળકોનાં મૃત્યુ થયાં છે.
અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં છેલ્લા 18 કલાકમાં બે નવજાત બાળકોનાં મૃત્યુ થયાં છે. બંને બાળકોને ડિહાઇડ્રેશન અને તાવની અસર હોવાથી દાખલ કરવામાં આવ્યાં હતાં. ગઈકાલે પણ બે લોકોનાં હીટસ્ટ્રોકથી મૃત્યુ થયાં હતાં. અમદાવાદના સીટીએમ વિસ્તારના 15 દિવસના બાળકને ડિહાઇડ્રેશનને કારણે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. દાખલ કર્યા બાદ 15 કલાકમાં તેનું મૃત્યુ થયું છે. અન્ય એક રખિયાલના 10 દિવસના બાળકને પણ ડિહાઇડ્રેશન અને હાઇપરથેર્મિયાના કારણે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. આ બાળકનું 18 કલાકની સારવાર બાદ મૃત્યુ થયું છે. હોસ્પિટલ દ્વારા બંને બાળકોનાં મૃત્યુ અંગે પુષ્ટિ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ ગરમીથી અસરગ્રસ્ત 100 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 47 લોકોને શંકાસ્પદ હીટસ્ટ્રોક લાગ્યો હતો. 47માંથી બે લોકોનાં 12 કલાકના અંતરમાં જ મૃત્યુ થઈ ગયાં હતાં.