અમદાવાદઃ ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાંથી 56 કિ.મી.ના રસ્તાઓ રિપેર કરાયાં
ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતની જેમ અમદાવાદ જિલ્લામાં પણ અમુક તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે અમદાવાદ જિલ્લાના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા, જેમાંથી અડધાથી વધુ રસ્તાઓનું રિપેરિંગ વરસાદ અટક્યાના માત્ર બે દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાંથી 56.75 કિલોમીટરના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે અને અન્ય રસ્તાઓ પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ અમદાવાદ શહેર, તાલુકા અને ગામોને જોડતાં રાજ્ય ધોરી માર્ગો, મુખ્ય જિલ્લા માર્ગો અને અન્ય જિલ્લા માર્ગો, એમ મળીને કુલ 102.50 કિલોમીટરના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. જિલ્લામાં વરસાદના કારણે નકસાનગ્રસ્ત રસ્તાઓને લીધે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે, તે માટે વરસાદ બંધ થતાં જ અમદાવાદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, રિ-સરફેસિંગ, મેટલવર્ક કરવાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.એ જિલ્લામાં વરસાદ બંધ થયા બાદ તાત્કાલિક ધોરણે માર્ગ-મકાન વિભાગના અધિકારીશ્રીઓને ખરાબ થયેલ રસ્તાઓના રિપેરિંગની કામગીરી ઉપરાંત જે રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો થયો હોય, તેનો નિકાલ કરી રસ્તાઓને ખુલ્લા કરવા માટે અને ઝડપથી રસ્તાઓમાં મેટલ કામ કરવા, પેચ કામ કરવા, રસ્તા પર આવતા ઝાડી ઝાંખરા દૂર કરવા સહિતની કામગીરી હાથ ધરવા સૂચના આપેલી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલી રહી છે.
અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે ધોળકા તાલુકામાં 21 કિલોમીટર, બાવળા અને સાણંદ તાલુકાઓમાં 16 કિમી, ધોલેરા તાલુકામાં 12 કિમી, વિરમગામ અને દેત્રોજ તાલુકાઓમાં 11 કિમી, માંડલમાં 6 કિમી, દસ્ક્રોઈમાં 5 કિમી અને ધંધુકામાં 4 કિલોમીટરના રસ્તાઓ એમ કુલ મળીને 102.50 કિલોમીટરના નાના-મોટા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા, જેનું રિપેરિંગ કરીને તેને મોટરેબલ બનાવવાની કામગીરી પૂરપાટ વેગે ચાલી રહી છે. અત્યાર સુધીમાં બધા તાલુકાના મળીને કુલ 56.75 કિલોમીટર, એટલે કે પચાસ ટકાથી વધુ રસ્તાઓનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે અને જિલ્લાના તમામ નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, રિ-સરફેસિંગ, મેટલવર્કની કામગીરી ગણતરીના દિવસોમાં પૂર્ણ કરી દેવાશે, એવું જિલ્લાના કાર્યપાલક ઈજનેરબ્રહ્મભટ્ટે જણાવ્યું છે.