Site icon Revoi.in

અમદાવાદઃ એક દુકાનમાંથી સ્ટાન્ડર્ડ માર્ક વિનાના 9 હજાર રમકડાં જપ્ત કરાયાં, ભારતીય માનક બ્યુરોના દરોડા

Social Share

અમદાવાદઃ શહેરના કાલુપુર વિસ્તારમાં ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ રમકડાની એક દુકાનમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન દુકાનમાંથી વેપારી પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વગરના લગભગ 9 હજાર રમકડાં જપ્ત કરવામાં આવ્યાં હતા. ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડ્યાં હતા. ભારતીય માનક બ્યુરોના3 અધિકારીઓએ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની કાર્યવાહીને પગલે રમકડાંનું વેચાણ કરતા અન્ય વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020ના ઓર્ડર નંબર S.O.853(E) અને 15 સપ્ટેમ્બર 2020ના સુધારા મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈએસઆઈ માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી આઈએસઆઈ માર્ક વિનાનું રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં અને માત્ર એવા ઉત્પાદકોને જ આઈએસઆઈ માર્ક લાગુ કરવાની મંજૂરી છે કે જેમની પાસે ભારતીય માનક બ્યુરોનું માન્ય લાયસન્સ છે.

બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ઉત્પાદકો દ્વારા આઈએસઆઈ માર્ક લગાવવો અથવા આઈએસઆઈ માર્ક વિના રમકડાં વેચવા અને સંગ્રહ કરવા એ સજાપાત્ર ગુનો છે. આવું કરનારા વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ની કલમ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 200000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.