Site icon Revoi.in

અમદાવાદમાં ચાર રસ્તાઓ પર લેફ્ટ ટર્નનો ટ્રાફિક બ્લોક કરનારા વાહનચાલકો પાસેથી 500નો દંડ વસુલાશે

Social Share

અમદાવાદ: શહેરના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે, બીજીબાજુ ઘણાબધા વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરના ચાર રસ્તાઓ પર સિગ્નલ બંધ હોય ત્યારે લેફ્ટ ટર્નનો રસ્તો પણ બ્લોક કરી દેતા હોય છે. હવે ચાર રસ્તેથી ડાબી બાજૂ  જતાં ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહનચાલકોને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. બે અઠવાડિયા પહેલા અમદાવાદ ટ્રાફિક વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી એવો નિર્ય કર્યો હતો કે, ચાર રસ્તા પરના ડાબી બાજુના વળાંક પર સીધા અથવા તો જમણી બાજુ જતાં વાહનો ઉભા રહી શકશે નહીં.

અમદાવાદ શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા ચાર રસ્તાઓ પર લેફ્ટ ટર્ન ખૂલ્લો રાખવા પોલીસે બેરીકેડ પણ લગાવ્યા છે. છતાં પણ વાહનચાલકો લેફ્ટ ટર્ન ક્રોસ કરીને વાહનો ઊભા રાખી દેતા હોય છે. અત્યાર સુધી ડાબી બાજુ જતાં ટ્રાફિકને અવરોધ બનતા વાહનોને સીધા અથવા ડાબી બાજુ જ જવાની પોલીસ દ્વારા ફરજ પાડવામાં આવતી નહોતી. પરંતુ હવે એવો નિર્ણય લેવાયો છે કે, ચાર રસ્તાથી ડાબી બાજુ જતા ટ્રાફિકને અવરોધ બનીને ઊભા રહેતા વાહન ચાલકો પાસેથી 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ શહેરના રસ્તા પર ભયજનક રીતે સ્પીડમાં જતા વાહન ચાલકોની મોટર વ્હીકલ એક્ટની કલમ 279 હેઠળ ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જે વાહન ચાલક પોતાનું વાહન બીજાનું મોત નીપજે અથવા કોઈને ઈજા થાય તે રીતે ચલાવે તો તેને મોટર વ્હીકલ એક્ટની કલમ 279 મુજબ આરોપી ગણવામાં આવે છે. જે વ્યક્તિ ભયજનક રીતે વાહન ચલાવવા કસૂરવાર નીકળે તેને 6 મહિના સુધીની જેલ અથવા તો દંડ અને જેલ બંને થઈ શકે છે.

સંયુક્ત પોલીસ કમિશનર મયંક ચાવડાના જણાવ્યા અનુસાર ચાર રસ્તેથી ડાબી બાજુ જતાં ટ્રાફિકને અડચણરૂપ થાય તેવા વાહનો હજી પણ ઉભા રહે છે. જેથી આવા વાહન ચાલકોને 500નો દંડ ફટકારવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભયજનક રીતે વાહન ચલાવતા ચાલકોને પકડવા માટે અને ડાબી બાજુ જતાં ટ્રાફિકને અડચણરૂપ બનવા વાહનોને દંડવા માટે તેઓ દરેક ચાર રસ્તા પર વધારાના ટ્રાફિક જવાનો તૈનાત કરશે.