અમદાવાદઃ કોરોનાના કેસમાં થઈ રહેલા વધારેને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની અધ્યક્ષતામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ અને ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં કોરોનાના વધી રહેલા કેસ અને તેને લઈને કરવામાં આવેલી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના કેસમાં ફરી એકવાર રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. તેમજ લગભગ 3 દિવસમાં કેસ હાલમાં ડબલ થઈ રહ્યાં છે. જેથી સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ છે. તેમજ વિવિધ હોસ્પિટલોમાં કોરોનાને લઈને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. દરમિયાન એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સિવિલ હોસ્પિટલના સુપ્રી. તથા તમામ વિભાગના એસઓડી ઉપસ્થિત રહ્યાં હતા. બેઠક દરમિયાન કોરોનાના કેસમાં થઈ રહેલા વધારે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ સંક્રમણને ફેલતુ અટકાવવા બાબતે ચર્ચા કરાઈ હતી. તેમજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને કરવામાં આવેલી તૈયારીઓ અંગે પણ ચર્ચા કરાઈ હતી.