અમદાવાદઃ શહેરમાં મનપાએ બાકી વેરાની વસુલાત માટે શિલીંગ અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ શહેરમાં ગંદકી ફેલાવતા શખ્સોને પકડીને તેમની સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. દરમિયાન મનપાના સોલિડ વેસ્ટ વિભાગે જાહેરમાં ગંદકી કરતા તથા કચરો ફેંકવા બદલ 10 દુકાનોને સીલ કરી હતી. તેમજ તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. મનપાની આ કાર્યવાહીથી જાહેરમાં ગંદકી કરનારા તત્વોમાં ભય ફેલાયો છે. એક અઠવાડિયામાં મનપા તંત્રએ લગભગ 224 સ્થળ ઉપર તપાસ કરીને 116 દુકાનો અને પાનના ગલ્લાઓને નોટિસ પાઠવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના મણિનગર, દાણીલીમડા, ખોખરા, ઈસનપુર, અને બહેરામપુરા સહિતના વિસ્તારમાં મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોએ તપાસ આરંભી હતી. જાહેરમાં ગંદકી અને કચરો ફેંકવા બદલ એક-બે નહીં દસ જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત 33 હજારનો દંડ વસુલ્યો હતો. જાહેરમાં ગંદકી અને કચરો ફેકનારા આ દુકાનના માલિકો સામે કોર્પોરેશન દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં જાહેરમાં કચરો, ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે છેલ્લા એક અઠવાડિયામાં 234 જગ્યાઓએ મનપાની ટીમે ચેકિંગ કર્યું હતું. તેમજ 116 જેટલી દુકાનો અને પાનના ગલ્લાઓ વગેરેને નોટીસ આપવામાં ફટકારીને લગભગ રૂ. 17900નો દંડ વસુલ કર્યો હતો.
શહેરના વિવિધ વિસ્તારમાં જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો અને પ્રતિબંધિત પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ કરનારા તત્વો સામે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાની કાર્યવાહીને પગલે જાહેરમાં ગંદકી કરનારા તત્વોમાં ભય ફેલાયો છે.