અમદાવાદઃ બે મહિલાઓની હત્યાને પગલે પોલીસની કામગીરી સામે ઉભા થયા સવાલો
અમદાવાદઃ શહેરના છેવાડે આવેલા કણભા વિસ્તારમાં લાકડા વિણવા ગયેલી બે મહિલાની ઘાતકી હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. શહેર અને જિલ્લામાં સબસલામતના પોલીસના દાવાઓ વચ્ચે ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવો બનતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલ પણ ઉભા થયાં છે. બીજી તરફ પોલીસે ડબલ મર્ડર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિવિધ દિશામાં તપાસ આરંભી છે. મૃતક મહિલાઓ સંબંધમાં દેરાણી-જેઠાણી હોવાનું જાણવા મળે છે. જો કે, તેમની હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર કણભામાં રહેતા ગીતાબેન ઠાકોર (ઉ.વ. 47) અને તેમના જેઠાણી મંગુબેન ઠાકોર (ઉ.વ. 60) ઘરેથી બપોરના સમયે લાકડા વિણવા માટે નજીકમાં આવેલી ગૌચરની જમીન ઉપર ગયા હતા. મોડે સુધી બંને મહિલાઓ પરત નહીં આવતા પરિવારજનો ચિંતામાં મુકાયાં હતા. તેમજ તપાસ શરૂ કરી હતી. દરમિયાન ગૌચરની જમીન ઉપરથી બંનેની લાશ મલી આવતા પરિવારજનો ઉપર ચોંકી ઉઠ્યાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થલ પર દોડી ગયો હતો. તેમજ બંને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. બંને મૃતદેહના ગળા ઉપર તિક્ષ્ણ હથિયારના ઘાના નિશાન મળી આવ્યાં હતા.
પોલીસે સમગ્ર બનાવ અંગે ગુનો નોંધીને એફએસએલ અને ડોગ સ્કોવડની મદદથી તપાસ આરંભી હતી. તેમજ વિવિધ ટીમો બનાવીને તપાસ તેજ કરી હતી. આ હત્યામાં પરિચીતની સંડોવણી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે, હજુ સુધી પોલીસે હત્યારાઓનું કોઈ પગેરુ મળ્યું નથી.
(ફોટો-ફાઈલ)